ખરાબ હવામાન જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ પાછળનુ મુખ્ય કારણઃ કમિટિનુ તારણ

નવી દિલ્હી, ગયા મહિને તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા. આ મામલાની તપાસ કરનાર કમિટિએ હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે.રિપોર્ટમાં ક્રેશના કારણ અંગે સત્તાવાર રીતે હજી સુધી કોઈ નિવેદન વાયુસેના કે સરકાર દ્વારા કરાયુ નથી પણ સૂત્રોનુ કહેવુ છે કે, કમિટિએ એવુ તારણ કાઢ્યુ છે કે, ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટ ક્રેશ થયુ હતુ.
મીડિયા રિપોર્ટમાં આ કમિટિના તારણ અંગે જે દાવો કરાયો છે તે પ્રમાણે સૌથી મોટુ કારણ ખરાબ હવામાન હતુ.હેલિકોપ્ટર ઉડાવી રહેલા પાયલોટ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણે હેલિકોપ્ટર ક્રેશ થયુ તેની આઠ મિનિટ પહેલા જ કહ્યુ હતુ કે, હું હેલિકોપ્ટરને લેન્ડ કરાવવા જઈ રહ્ય છું.તે વખતે હેલિકોપ્ટર જમીનથી માંડ 500 થી 600 મિટરની ઉંચાઈ પર હતો અને તે સમયે હેલિકોપ્ટર વાદળોથી ઘેરાઈ ગયેલુ હતુ.જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.
પાયલોટ પૃથ્વી સિંહ ચૌહાણ રેલવે લાઈનને ફોલો કરીને હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા અને તેમને વેલિંગ્ટન સ્ટાફ કોલેજમાં હેલિકોપ્ટર લેન્ડ કરાવવાનુ હતુ.જ્યાં જનરલ રાવત લેક્ચર આપવાના હતા.
મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવાયુ છે કે, કોઈ જાતની ટેકનિકલ ગરબડ કે નુકસાનની આશંકા કમિટિએ રિપોર્ટમાં વ્યક્ત કરી નથી.