ખાંડ અને ચણાની દાળ આવશે ત્યારે આપવામાં આવશે : નાયબ પુરવઠા મામલતદાર
શિક્ષકો અને તલાટીઓ હોવા છતાં સેફ ડિસ્ટનસના ધજાગરા-
આમોદમાં સરકારી દુકાનો પર અનાજનું વિના મૂલ્યે વિતરણ
ભરૂચ, કોરોના મહામારીને કારણે ભારત સરકારે સમગ્ર ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું.જેથી ગરીબ અને રોજ કમાઈને રોજ ખાનાર વ્યક્તિને ભારોભાર નુકશાન પહોંચ્યું હતું જેથી ગુજરાતની સરકારે પહેલી એપ્રીલે તેમને વિના મૂલ્યે ઘઉં,ચોખા દાળ મીઠું ખાંડ આપવાનું કહ્યું હતું.આ ઉપરાંત કોરોના મહામારી ચાલી રહી હોય ત્યારે વધારે ભીડ એકત્ર ના થાય અને સેફ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે શિક્ષકો અને તલાટીઓને પણ ફરજ બજાવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત સરકારી દુકાને પોલીસ તેમજ હોમગાર્ડનો પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો પરંતુ સરકારની સેફ ડિસ્ટનસની વાતોના આમોદમાં ધજાગરા ઉડ્યા હતા. તાપને કારણે રેશનકાર્ડ ધારકો કુંડાળામાં તેમના અનાજના લાવવા માટે મૂકેલા થેલા મુક્યા હતા અને તેઓ એકબીજાની નજીક સેફ ડિસ્ટન્સ રાખ્યા વગર બેઠા હતા.
આ ઉપરાંત જે રેશનકાર્ડ ધારકોનો ઓનલાઈન અંગુઠો ના આવતો તેને ઓફલાઇન રાજીસ્ટરમાં નોંધી અનાજ આપવાનું હતું. પંરતુ કેટલાક દુકાનદારો તેમની મનમાની કરવા ટેવાયેલા હોય રેશનકાર્ડ ધારકોને ધક્કો ખવડાવતા હતા.જેથી મામલતદાર કચેરી ખાતે આવા રેશનકાર્ડ ધારકોએ દુકાનદાર વિરૂધ્ધ રજુઆત કરતાં તેમને ત્યાર બાદ અનાજ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક રેશનકાર્ડ ધારકને અનાજનો જથ્થો આપવાનું જણાવ્યું હતું અને જાહેરાતો કરી વાહવાહી લૂંટી હતી પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ હતી આમોદમાં કેટલીય દુકાનો ઉપર ખાંડ તેમજ દાળનો જથ્થો પહોચ્યો નહોતો.જેથી રેશનકાર્ડ ધારકોએ દુકાનદારો સાથે જીભાજોડી કરી હતી અને મોટી સંખ્યામાં લોકો આમોદ મામલતદાર કચેરીએ ફરિયાદ કરવા પહોંચી ગયા હતા.જ્યાં પણ સેફ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને લોકોની વાત સાંભળવાની બદલે આમોદ મામલતદાર કચેરીએ અંદર થી તાળું મારી દેવામાં આવ્યું હતું. આમોદ મામલતદાર કચેરીએ પહોંચેલા મીડિયા કર્મીઓને રેશનકાર્ડ ધારકોએ વિવિધ ફરિયાદો કરી સરકારી તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આમોદના નાયબ પુરવઠા મામલતદાર કિંજલ પરમારે જણાવ્યું હતું કે હજુ ખાંડ તેમજ દાળનો જથ્થો આવ્યો નથી જેથી આવશે ત્યારે રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે.આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે હાલમાં માત્ર જે નિયમિત અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકો તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ નોંધાયેલા એપીએલ નિયમિત ગ્રાહકોને જ આપવામાં આવ્યું છે.જ્યારે બાકીના રેશનકાર્ડ ધારકોને પછીથી આપવામાં આવશે.
આમોદ સરકારી અનાજના ગોડાઉન મેનેજર બી બી વસાવાએ જણાવ્યું હતું કે ખાંડ અને દાળનો જથ્થો પણ દરેક સરકારી દુકાને પહોંચતો કરી દેવામાં આવ્યો છે.પરંતુ જે ઓનલાઈન અમારે એન્ટ્રી કરવાની છે તે થઈ જાય પછીથી આપવામાં આવશે.