ખાંસી-તાવ કોરોના બિમારીના મુખ્ય લક્ષણો હોવાની પુષ્ટિ
સંશોધકોએ સામાન્ય લક્ષણોની ઓળખ કરવા માટે ૧૪૮ વિવિધ સ્ટડીના આંકડા સંકલિત કરીને તારણ કાઢ્યું
લંડન, કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાં ખાંસી અને તાવ હોવાની પુષ્ટિ એક સ્ટડીમાં થઈ છે. તાજેતરમાં થયેલા સ્ટડીના મુખ્ય સાર અનુસાર આ બંને લક્ષણો સિવાય કોરોના વાયરસના બીજા લક્ષણોમાં થાક, ગંધ આવવી નહેં, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો સામેલ છે.
જર્નલ ‘પીએલઓએસ વન’માં પ્રકાશિત સ્ટડીમાં એ લક્ષણોની પષ્ટિ કરાઈ છે, આ લક્ષણોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ આ બીમારીની શરુઆતમાં સૂચિબદ્ધ કર્યા છે. આ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકો સામેલ છે. આ સંશોધકોએ ૯ દેશોના ૨૪૦૦૦થી વધુ દર્દીઓ દ્વારા અનુભવ કરાયેલા સામાન્ય લક્ષણોની ઓળખ કરવા માટે ૧૪૮ વિવિધ સ્ટડીના આંકડા સંકલિત કર્યા છે. આ નવ દેશોમાં બ્રિટન, ચીન અને અમેરિકા સામેલ છે.
સંશોધકોનું કહેવું છે કે આ સ્ટડી કોવિડ-૧૯ના લક્ષણોને લઈને કરાયેલી સૌથી મોટી સમીક્ષા પૈકી એક છે. સંશોધકોએ એ પણ સ્વીકાર કર્યો કે સંભવ છે કે એવા લોકોની મોટી સંખ્યા હશે, જે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હશે પરંતુ તેમનામાં કોઈ લક્ષણો દેખાય નહીં. લીડ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચમાં સર્જન અને ક્લીનિકલ રિસર્ચ ફેલો રિકી વેડે કહ્યું કે આ વિશ્લેષણથી આ વાતની પુષ્ટિ થઈ છે કે કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના લક્ષણોમાં ખાંસી અને તાવ સામાન્ય લક્ષણ છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે ૨૪૪૧૦ કેસો પૈકી ૭૮ ટકા દર્દીઓને તાવ હતો અને ૫૭ ટકા દર્દીઓમાં ખાંસી હતી.