ખાડિયામાં જર્જરિત મકાન ધરાશાયીઃ યુવકનું મોત
અમદાવાદ, અમદાવાદમાં અનેક એવા ઇમારતો અને મકાનો એવા છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો પડી જવાથી અનેક લોકોનાં મોત થયા છે પરંતુ હાલ પણ કોર્પોરેશન નિદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે ફરી અમદાવાદમાં એવી એક ઘટના બની છે, જેમાં એક યુવકનું મોત નિપજેલ છે.
અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એક જૂનવાણી ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા અગાશીએ ખાટલા પર પોઢેલા આશાસ્પદ યુવકનું મોત થયું છે. નોકરી સમાપ્ત કરીને ઊંઘવા ગયેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે. જોકે, તંત્રની બેદરકારીએ ફરી એક વાર નિર્દોશનો ભોગ લીધો છે. મૃત વ્યક્તિનું નામ માનું રામ મિણા છે. ખાડીયા વિસ્તારમાં આવેલ સારંગપુર દૌલતખાનામાં આવેલ રબારી વસાહતમાં ભાડે રહેતા યુવક રાતે સુઈ રહયો હતો અને મોડી રાતે અચાનક ૨ માળની આગાશી તૂટી પડતા યુવક જે ખાટલા પર સુઈ રહયો હતો તે ખાટલા સાથે નીચે પટકાયો અને મોત થયેલ છે.
મળતી માહિતી પ્રમાણે યુવક અમદાવાદના એક પ્રખ્યાત ચવાણા હૉઉસમાં કામ કરતો હતો અને જે ગઈ કાલે નોકરી પુરી થયા બાદ ઘરે આવ્યો અને ઊંઘી રહ્યો હતો. જોકે ઘટના ખુબજ ગંભીર છે કારણ કે કેટલાક સ્થાનિકોનું કેહવું છે કે જો આ ઘટના રાતની જગ્યા બપોરે અથવા સવારે બની હોત તો અનેક લોકોનાં મોત થઈ જાત.
મળતી માહિતી પ્રમાણે ૮ થી વધુ લોકોને તો ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુ કરી બચાવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ કરી રહી છે ત્યારે આ ઘટના માં કોની બેદરકારી છે તે મોટો સવાલ છે. થોડા સમય પહેલા શહેરના કુબેરનગર વિસ્તારમાં પણ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે ફરી એક વ્યક્તિનું મોત નીપજતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલિયાવાડી ખુલ્લી પડી છે.