ખાડીયામાં અજાણ્યા શખ્શોએ વેપારી બની સોની સાથે ૪૦ લાખ રૂપિયાનાં દાગીનાની છેતરપીંડી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, માણેકચોકમાં સોની વેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ અવાનવાર સામે આવતી હોય છે આ સ્થિતિમાં વધુ એક સોની પાસેથી ૪૦ લાખ રૂપિયાના દાગીનાં પડાવવાની ફરીયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં આરોપીએ ફકત ફોન તથા વોટસએપનો ઉપયોગ કરી વિશ્વાસ કેળવીને દાગીના ચેન્નાઈ ખાતે મંગાવી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે જીગરભાઈ શાહ (વાસણા) માણેકચોકમાં હવેલી ચેમ્બર્સ નજીક પોતાની જ્વેલર્સની દુકાન ધરાવે છે તેમના ત્યાં ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતાં ક્રિષ્ણાબેન મહેશ્વરીને અજાણ્યા શખ્શે જાન્યુઆરી મહીનાની શરૂઆતમાં વોટસએપ પર સંપર્ક કર્યો હતો અને પોતાની ચેન્નાઈ કે.આર. ગોલ્ડના માલિક રાહુલ તરીકે ઓળખ આપી હતી. બાદમાં ભરત જૈન નામના શખ્શે હૈદરાબાદ ખાતેથી પણ તેમનો સંપર્ક કર્યો હતો.
બાદમાં તેમની સાથે વાતચીત કરીને બંને શખ્શોએ પોતાના પાર્સલો વિનુ કાન્તી નામની અમદાવાદની પેઢી મારફતે મોકલવા જણાવ્યું હતું જેને પગલે જીગરભાઈએ અલગ અલગ દિવસોએ કુલ ૪૦ લાખ રૂપિયાના દાગીના ભરેલા ત્રણ પાર્સલો વિનુ કાન્તી આંગડીયામાંથી આવેલા શખ્શને આપ્યા હતા.
બાદમાં રૂપિયા અંગે સંપર્ક કરતાં રાહુલ, ભરત અને વિનુ કાન્તી પેઢીમાંથી દાગીનાનાં પાર્સલ લેવા આવનાર ત્રણેય શખ્શના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા જે અંગે જીગરભાઈએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શો વિરૂધ્ધ રૂપિયા ૪૦ લાખના દાગીના અંગે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.