ખાડીયામાં સામાન્ય બાબતે પાડોશી પર પિતા-પુત્રોનો હુમલોઃ કાગડાપીઠમાં ગુનો દાખલ

અમદાવાદ: ખાડીયા વિસ્તારમાં ગટર સાફ કરાવવા જેવી બાબતે પાડોશીની સાથે ઝઘડો કરી અસામાજીક તત્વોએ તેમને ઢોર માર મારી પાઈપ વડે હુમલો કર્યાે હતો. વ્યક્તિની ફરીયાદ બાદ ખાડીયા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે બિહારીલાલ તિવારી (૪૦) મૂળ રાજસ્થાનના છે અને હાલમાં બાલાજીની ચાલી, ભુતની આંબલી, આસ્ટોડીયા ખાતે રહે છે. તથા લારી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.
શુક્રવારે સવારે તે પોતાના ઘરે હાજર હતા ત્યારે પાડોશી મોનુ યાદવ તેમને ઘરે બોલાવવા આવ્યો હતો. અને ગટર સાફ કરાવવાની છે જેનાં ૮૦૦ રૂપિયા આપવા કહ્યું હતું. જેથી બિહારીલાલે આપી દેવાની હા પાડી હતી.
પરંતુ મોનુએ હાલ જ આપી દો તે કહીને ભુતની આંબલી રબારીવાસના નાકે બિહારીલાલ સાથે ઝઘડો કર્યાે હતો. અને પોતે તડીપાર છે કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર માર્યાે હતો. આ દરમિયાન મોનુના પિતા જંહબહાદુર તથા ભાઈ રાહુલ પણ આવી ગયા હતા. બાદમાં ત્રણેયએ મળીને બિહારીલાલને માર માર્યાે હતો.
અને મોનુએ લોખંડની પાઈપ તેમનાં માથામાં મારતાં બિહારીલાલ લોહીના ખાબોચીયામાં ઢળી પડતાં ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. બાદમાં તેમને એલ.જી.હોસ્પિટલ લઈ જવાતાં સારવાર બાદ પોતાની ફરીયાદ કાગડાપીઠ પોલીસ સમક્ષ નોંધાવી હતી. પોલીસે ત્રણેય ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમમાન કર્યા છે.