ખાડીયા ના કોર્પોરેટર મયુર દવે કોરોના સંક્રમિત : SVP.માં દાખલ કરાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદમાં કોરોના ના કહેર વધી રહ્યો છે. શહેર ના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોના ની ઝપટમાં આવી ગયા છે. ખાડીયાના કોર્પોરેટર મયુર દવે પણ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમને સારવાર અર્થે એસ.વી.પી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના અનેક કોર્પોરેટર કોરોનાગ્રસ્ત થયા છે. 108 ના હુલામણા નામથી જાણીતા ખાડિયા વોર્ડના સીનીયર કોર્પોરેટર મયુર દવેનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મયુર દવે લોકડાઉન-1ની શરૂઆત થી જ પ્રજાકીય કામોમાં વ્યસ્ત રહ્યા હતા. જરૂરિયાત લોકોને ફૂડ પેકેટ ની વહેંચણી, ઘરે ઘરે દવા આપવી, તમામ પોળો માં સેનેટાઈઝ કરવા, કાપડ માર્કેટ તેમજ સોના – ચાંદી માર્કેટ ના વેપારીઓ અને કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ કરાવવા જેવી સેવા છેલ્લા ચાર મહિના થી કરી રહ્યા છે તે દરમ્યાન તેમને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. મયુર દવે ને વધુ સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના મળી અંદાજે 25 જેટલા કોર્પોરેટર અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે,જેમાં બે કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને ગ્યાપ્રસાદ કનોજિયાના મોત પણ થઈ ગયા છે.કોરોના સંક્રમિત થયેલા ભાજપના અમદાવાદના કોર્પોરેટરોમાં સાધનાબેન જોષી(નારણપુરા),જીગ્નેશપટેલ(નવા વાડજ),ગ્યાપ્રસાદ કનોજીયા(ખોખરા) ,દિલીપ બગરિયા(વેજલપુર),કાંતિ પટેલ(બોડકદેવ),જ્યોત્સના પટેલ (ગોતા),રમેશ પટેલ(મણિનગર), દીપતિબેન અમરકોટિયા (બોડકદેવ), અનિરુદ્ધસિંહ જાડેજા ( વસ્ત્રાલ), શૈલેષ પટેલ (ઇન્દ્રપુરી), પ્રીતિબેન ભરવાડ નો સમાવેશ થાય છે.
જ્યારે કોરોના સંક્રમિત થયેલા કોંગ્રેસના કોર્પોરેટરની વાત કરીએ તો દિનેશ શર્મા(ઇન્ડિયા કોલોની),યશવંત યોગી(ઇન્ડિયા કોલોની),બદરૂદ્દીન શેખ(બહેરામપુરા),કમળાબહેન ચાવડા(બહેરામપુરા),નફિસાબહેન( સરખેજ),ઇલાક્ષી પટેલ(હાટકેશ્વર-ભાઈપુરા),હાજીભા ઈ મિર્ઝા(મકતમપુરા) અને રણજિતસિંહ બારડ(વિરાટનગર) પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરના 04 ધારાસભ્ય પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. જેમાં ઇમરાન ખેડાવાળા, જગદીશ વિશ્વકર્મા, કિશોર ચૌહાણ, બલરામ થવાની નો સમાવેશ થાય છે.