ખાડીયા ભાજપમાં ભારેલો અગ્નિ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને મજબૂત ગઢ ખાડીયામાં ૨૦૨૧ની ચૂંટણી રસપ્રદ બની રહી છે. ભાજપાએ પ્રથમ વખત તમામ સીનીયરોની બાદબાકી કરીને નવા ચહેરાઓને તક આપી છે. જેના કારણે ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. હાઈકમાન્ડના આદેશ બાદ સીનીયર કોર્પાેરેટરો પ્રચારના કામે લાગી ગયા છે. પરંતુ દરવખતની જેમ ચૂંટણી પ્રચારમાં ઉત્સાહનો અભાવ જાેવા મળી રહ્યો છે. તથા સીનીયર નેતાઓ અને કાર્યકરો તેમની પસંદગીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હોય તેવો માહોલ જાેવા મળે છે.
ખાડીયા ભાજપના આંતરીક સૂત્રોમાં થતી ચર્ચા મુજબ નીકીબેન મોદી અને પંકજ ભટ્ટ ભૂષણ ભટ્ટની પસંદગીના ઉમેદવાર છે. તેથી તેમની લોબી આ બે ઉમેદવાર માટે સક્રિય છે. જ્યારે કાલુપુરના સીનીયર પૂર્વ કોર્પાેરેટર કોકાભાઈ તેમના અંગત ઉમેશ નાયક માટે વધુ સમય ફાળવી રહ્યા છે. ખાડીયામાં સમાવિષ્ટ કાલુપુર વિસ્તારના કાર્યકરો પણ ઉમેશ નાયક માટે દોડધામ કરી રહ્યા છે. જ્યારે ખાડીયાના “૧૦૮” મયુર દવે લોબીના એકપણ ઉમેદવારને તક મળી નથી તેથી તેઓ પાર્ટીના આદેશ મુજબ પ્રચાર કામમાં વ્યસ્ત છે. તથા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ સાથે કાંકરીયા, કંટોડીયાવાસ, રાયપુર ચકલા વિસ્તારમાં નાની-મોટી સભા કરી રહ્યા છે. આમ, ખાડીયામાં પ્રથમ વખત ભાજપમાં જૂથવાદ સપાટી પર આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સીનીયર નેતાઓ તેમની પસંદગીના ઉમેદવાર માટે જ કામ કરી રહ્યા છે. જ્યારે તેમના અંગત કાર્યકરો લગભગ નિષ્ક્રિય થઈ ગયા છે તેવી ચર્ચા ખાડીયામાં ચાલી રહી છે.
ભાજપના મજબૂત ગઢમાં પ્રવેશ માટે કોંગ્રેસ પાર્ટી તાકાત લગાવી રહી છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયા બાદ કોંગી કાર્યકરોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. પરંતુ કોંગી ફાળવણી સમય થયેલ ગેરસમજ બાદ સીનીયર અગ્રણી જગત શુક્લા પ્રચારથી દૂર રહે તેવી સંભાવના છે. જ્યારે જમાલપુરમાંથી બાદબાકી કરીને શાહનવાઝ શેખ અને રઝીયાબેન સૈયદને ખાડીયામાંથી મેન્ડેટ અપાયા છે. તેથી આ બંને ઉમેદવારોમાં કડવાશ છે.
“ઘરના ભૂવા-ઘરના ભૂત” |
ચૂંટણી આંદોલન કોને નડશે ?
ખાડીયા વોર્ડ માટે ૨૦૨૧ની ચૂંટણી યાદગાર બની રહેશે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો તો પરસ્પર લડી રહ્યા છે. પરંતુ ચતેમના મુજબ હરીફ સ્થાનિક જાગૃત રહીશો છે. ખાડીયાના ખમીર અને સંસ્કૃતિની જાળવણી માટે “ચૂંટણી આંદોલન” શરૂ કરવામાં આવ્યું છે. તેમજ શ્રેષ્ઠ ખાડીયા અભિયાન અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો અને પોળોના થઈ રહેલા વ્યાપારીકરણ સામે લડત ચલાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે આવતા ઉમેદવારો માટે તેમણે ખાસ પ્રશ્નોત્તરી તૈયારી કરી છે.જેમાં પોળમાંથી કોમર્શીયલ મિલ્કતો અને ટેમ્પાઓના કકળાટને દૂર કરવા, ખાડીયામાં સારી પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા, ખાડીયાના બાળકોને દૂર સુધી ભણવા જવાનું થાય છે તે અંગે નક્કર આયોજન કરવા તેમજ હેરીટેજ વારસાની જાળવણી અંગે ઉમેદવારો દ્વારા શુ કરવામાં આવશે ? તેવા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યાં છે. તદુપરાંત રહીશોને થતી અનેક મુશ્કેલીઓ માટે પણ આકરા સવાલ પૂછવામાં આવી રહ્યાં છે. જે ઉમેદવારો કે પાર્ટી દ્વારા સંતોષજનક જવાબ આપવામાં આવે તેમને જ મત આપવા માટે વિનંતી કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કે પક્ષની શેહ શરમમાં આવ્યા વિના નાગરીકોની તકલીફ દૂર કરે તેમને પ્રાથમિકતા આપવા સમજાવવામાં આવે છે.