ખાતર વિભાગ અંતર્ગત કાર્યરત સરકારી એકમોએ PM Cares ફંડને રૂ. 27 કરોડથી વધારે રકમનું દાન કર્યું
નવી દિલ્હી, રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત કાર્યરત ખાતર વિભાગને આધિન સરકારી કંપનીઓએ પ્રધાનમંત્રીના કટોકટીની સ્થિતિમાં નાગરિક સહાય અને રાહત (પીએમ કેર્સ) ભંડોળમાં રૂ. 27 કરોડથી વધારે રકમનું દાન કર્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે થશે.
કેન્દ્રીય રસયાણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું આ કંપનીઓનાં સીએમડીઓનો આભાર માનું છું, જેમણે કોવિડ-19 રોગચાળા સામે લડવા ભારત સરકારનાં પ્રયાસોને ટેકો આપવા મારી વિનંતીને માન આપ્યું છે.
શ્રી ગૌડાએ કહ્યું હતું કે, ખાતર કંપની ઇફકોએ પીએમ કેર્સમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું છે. હું આ સાથસહકાર બદલ ઇફકોનો આભાર માનું છું. એનાથી લાંબા ગાળે સરકારને કોરોનાવાયરસનો સામનો કરવામાં અને રોગચાળાની અસરને ઓછી કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય મંત્રીએ ક્રિભકોની પણ પ્રશંસા કરી હતી, જેણે એના સીએસઆર ફંડમાંથી પીએમ કેર્સમાં રૂ. 2 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે ભારત સરકારે હાથ ધરેલા રાહતના પગલામાં આ રકમથી ટેકો મળશે.
એનએફએલ-કિસાન દ્વારા યોગદાનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, મને એ જાહેર કરતાં ખુશી થાય છે કે, મારા મંત્રાલય હેઠળ કાર્યરત સરકારી એકમે એના સીએસઆર ફંડમાંથી રૂ. 63.94 લાખ રૂપિયાની રકમનું દાન પીએમ કેર્સમાં કર્યું છે. આ સાથસહકાર બદલ એનએફએલના સીએમડી મનોજ મિશ્રાનો આભાર.
શ્રી ગૌડાએ તેમના મંત્રાલયને આધિન કાર્યરત નફો કરતા તમામ સરકારી એકમોને તેમનું સીએસઆર ફંડ (પીએમ કેર્સ)ને દાન કરવાની વિનંતી કરી હતી. તમામ સરકારી એકમોના સીએમડીને લખેલા પત્રમાં શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર રોગચાળાનો ફેલાવો નિવારવા શક્ય તમામ પગલાં લઈ રહી છે, જોકે આ પ્રકારની જાહેર સ્વાસ્થ્યની કટોકટી સામે લડવા સમાજનાં તમામ વર્ગોના સહિયારા પ્રયાસની જરૂર છે એટલે હું તમને પીએમ કેર્સમાં તમારા સીએસઆર બજેટની શક્ય મહત્તમ રકમ પ્રદાન કરવા વિનંતી કરું છું.
તેમણે જણાવ્યું હતું કે, ભારતે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીનો સામનો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે અથવા કોવિડ-19 રોગચાળા જેવા જોખમથી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા પીએમ કેર્સ ફંડ ઊભું કરવામાં આવ્યું છે તથા કૉર્પોરેટ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધી છે કે, આ કથિત ફંડમાં કોઈ પણ પ્રકારનું દાન કંપની ધારા, 2013 હેઠળ સીએસઆર ખર્ચ તરીકે ગણવામાં આવશે.