ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં હોબાળો થયો
ગાંધીનગર, આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો ચોથો દિવસ હતો આ દરમિયાન ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે હોબાળો થયો હતો. છેલ્લા ૧ વર્ષમાં કોરોના કાળ દરમિયાન પણ સતત ભાવ વધારો થતાં ગૃહમાં ચર્ચા કરવામાં આવી છે. જેમાં સામ સામે આક્ષેપ બાજી થતા વિપક્ષે વોક આઉટ કર્યું હતું.
વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં ખાદ્ય તેલના ભાવ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ પૂછ્યો હતો. જેમાં સરકારે લેખિત કબૂલાત કરી છે કે વર્ષ ૨૦૨૦ કે જેમાં જનતાને કોરોના કાળમાં બેકારી અને મોંઘવારીનો માર પડ્યો છે. એવા સંજાેગોમાં પણ ખાદ્ય તેલના ભાવ વધારા પર અંકુશ રાખવામાં સરકાર નિષ્ફળ રહી છે. છેલ્લા ૧ વર્ષમાં કપાસિયા તેલના ૨૪૯ અને સિંગતેલના ભાવમાં ૬૧૬ રૂપિયાનો વધારો થયો છે.
આ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે તેલમાં પુરી તળી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. પણ હવે તેલિયા રાજાને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. સરકાર એક તરફ કહે છે કે મગફળીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થયું છે તેમ છતાં ભાવ ઘટવાના બદલે વધી રહ્યા છે
તો તેલીયા રાજાને કેમ સરકાર લાભ પહોંચાડી રહી છે અને આક્ષેપ ચૂંટણી ફંડ સુધી કરી દેવામાં આવ્યા હતા. જેની સામે નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ચર્ચામાં રહેવા માટે અને મીડિયામાં રહેવા માટે આક્ષેપ કરી રહ્યું છે. પ્રજાએ ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપી દીધો છે. આમ સામ સામે આક્ષેપ બાજી થઈ હતી.
જે મુદ્દે કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરી વોક આઉટ કરવામાં આવ્યું હતું અને હોબાળો કર્યો હતો. એક તરફ પ્રજાને હજુ કોરોનાથી કળ નથી વળી ત્યારે ખાદ્યતેલના ભાવ વધારાએ જનતાની કમર તોડી નાખી છે.