ખાદ્યતેલ-મસાલા મોંઘા થતાં ફરસાણના ભાવમાં ૧૦ થી ૧પ ટકાનો તોળાતો વધારો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે ભારતમાં મોંઘવારીના દરમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સિંગતેલ અને મસાલાના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે. જેને કારણે ફરસાણના ભાવમાં આગામી દિવસોમાં વધારો તોંળાઈ રહ્યો છે.
ફરસાણનો વ્યવસાય કરતાં વહેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલ સહિતના તેલના ભાવમાં વધારો થઈ ગયો છે. તો બીજી તરફ મસાલાના દરમ્માં પણ ૩૦ થી ૪૦ ટકાનો ભાવવધારો થતાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે.
તાજેતરમાં શિવરાત્રી દરમ્યાન ભાવવધારાની અસર વર્તાયેલી જાેવા મળી હતી. કેટલાંક ફરસાણના વેપારીઓએ તો ભાવવધારો અમલી પણ કરી દીધો છે. ફરસાણના ભાવમાં આગામી દિવસોમાં અંદાજે ૧૦ થી ૧પ ટકાનો વધારો તોળાઈ રહ્યો છે. ફરસાણના ૧૦૦ ગ્રામના રૂા.૩પ થી ૪૦ હતા તેમાં વધારો થઈને રૂા.પ૦ની આસપાસ પહોંચે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તેલ અને મસાલાના ભાવ વધ્યા છે. મસાલાના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છે. અમુક મસાલાના ભાવ ડબલ થઈ ગયા હોવાનું કહેવાય છે. ભાવ વધતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.
ભાવવધારો કરે તો ગ્રાહકોને પરવડે તેમ નથી. તેથી વેપારીઓ નફાનું ઓછું માજીન રાખીને ભાવવધારો કરશે એમ મનાય છે. તોય ફરસાણનો ૧૦૦ ગ્રામનો ભાવ રૂા.પ૦ની આસપાસ પહોંચે એવી પૂરેપૂરી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.