ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવ આસમાને: મોંઘવારીએ ૧૬ મહિનાનો રેકોર્ડ તોડ્યો
જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને ૩.૩૬ ટકા થયો
(એજન્સી)નવી દિલ્હી, ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવ આસમાને છે. દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને ૩.૩૬ ટકા થયો છે. તેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ૨.૬૧ ટકા હતો. જૂન ૨૦૨૩માં તે માઈનસ ૪.૧૮ ટકા હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘જૂન ૨૦૨૪માં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, કાચા રસાયણો અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેની કિંમતોમાં વધારો હતો.’
ડેટા અનુસાર, જૂન મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી દર ૧૦.૮૭ ટકા વધ્યો હતો, જ્યારે મે મહિનામાં તે ૯.૮૨ ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર જૂનમાં ૩૮.૭૬ ટકા હતો જે મે મહિનામાં ૩૨.૪૨ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર ૯૩.૩૫ ટકા હતો જ્યારે બટાકાનો મોંઘવારી દર ૬૬.૩૭ ટકા હતો. જૂનમાં કઠોળનો ફુગાવાનો દર ૨૧.૬૪ ટકા હતો. ઇંધણ અને પાવર સેક્ટરમાં ફુગાવો ૧.૦૩ ટકા રહ્યો છે, જે મે મહિનામાં ૧.૩૫ ટકાથી થોડો ઓછો છે.
ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો જૂનમાં ૧.૪૩ ટકા હતો, જે મે મહિનામાં ૦.૭૮ ટકાથી વધુ હતો. જૂન મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં થયેલો વધારો મહિનાના છૂટક ફુગાવાના ડેટાને અનુરૂપ હતો. ગયા અઠવાડિયે બહાર પડાયેલા આંકડા અનુસાર, જૂનમાં છૂટક ફુગાવો વધીને ૫.૧ ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે.
બટાકા, ડુંગળી અને ટામેટા તેમજ કોબીજ, ફુલેવર અને દૂધી જેવા લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આઝાદપુર શાકમાર્કેટના વેપારી સંજય ભગતે જણાવ્યું કે, ‘હાલમાં ટામેટાંનો જથ્થાબંધ ભાવ ૫૦થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો છે. ટામેટાંની સ્થાનિક વિવિધતા રૂ. ૧,૨૦૦ પ્રતિ ૨૮ કિલો (એક ક્રેટ)ના ભાવે અને હાઇબ્રિડ જાતના ટામેટાં રૂ. ૧,૪૦૦ થી ૧,૭૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે.
અગાઉ ટામેટાંનો ભાવ ૨૫-૩૦ રૂપિયા પ્રતિ કિલો હતો. ‘જથ્થાબંધ બજારમાં અન્ય શાકભાજીની કિંમત ૨૫ થી ૨૮ રૂપિયા પ્રતિ કિલો છે. જે શાકભાજી ૧૦ થી ૧૫ રૂપિયામાં વેચાતી હતી, તે હવે ૨૫ થી ૩૦ રૂપિયામાં મળી રહી છે. દાળના ભાવમાં પણ વધારો થયો છે, જે ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.’ આ વર્ષે તીવ્ર ગરમી અને વરસાદમાં વિલંબના કારણે ભાવમાં વધારો થયો છે.
ભગતે કહ્યું કે, મોટાભાગના સપ્લાયર્સ હિમાચલ પ્રદેશમાંથી ટામેટાં મંગાવે છે, જ્યાં પાક સુકાઈ ગયો છે. તેમણે કહ્યું કે પહાડો પર પાક વરસાદ પર નિર્ભર હોય છે અને આ વખતે ખૂબ જ ગરમી હતી અને બહુ ઓછો વરસાદ થયો હતો. જેના કારણે છોડ સુકાઈ ગયા અને જીવાતોનો ચેપ લાગ્યો. તેમણે કહ્યું કે, દુષ્કાળ પછી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાકને વધુ નુકસાન થયું હતું.