ખાદ્ય તેલ ભોજનના સ્વાદને બગાડે તેવી પ્રબળ શક્યતા
નવી દિલ્હી, ડુંગળીની સાથે સાથે હવે ખાદ્ય તેલની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાદ્ય તેલ પણ હવે ભોજનની મજા બગાડી શકે છે. ક્રુડ પામ ઓઈલની કિંમતમાં ૨૬ ટકાનો નોંધપાત્ર વધારો થઈ ચુક્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી આયાત કરવામાં આવતા પામ ઓઈલ મોઘા હોવાના કારણે દેશમાં સોયાબીન અને સરસિયા સહિત તમામ પ્રકારના તેલ અને તલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
છેલ્લા બે મહિનાના ગાળામાં ક્રુડ પામ ઓઈલની કિંમતમાં ૨૬ ટકાથી વધુનો વધારો થઈ ચુક્યો છે. જ્યારે સરસિયાની કિંમતમાં ૩૦૦ રૂપિયા ક્વિન્ટલ સુધીનો વધારો થઈ ચુક્યો છે. આવી જ રીતે જ સોયાબિનની કિંમતમાં ૪૦૦ પ્રતિ ક્વિન્ટન વધારો થઈ ચુક્યો છે. જાણકાર લોકોનું કહેવુ છે કે, દેશમાં મોનસુનના ગાળા દરમિયાન ભારે વરસાદના કારણે ખરીફ તલના પાક ખાસ કરીને સોયાબીનની ખરાબ હાલત હોવાના કારણે તથા વર્તમાન રવિ સિઝનમાં તલની વાવણીમાં સુસ્તીના પરિણામસ્વરૂપે તેલ અને તલની કિંમતમાં વધારો થયો છે.
મલેશિયા અને ઈન્ડોનેશિયાના બાયોફ્યુઅલ કાર્યક્રમના કારણે તેલની કિંમતોનો વધારો થઈ રહ્યો છે. દેશના સૌથી મોટા વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચોથી ઓક્ટોબરના દિવસે ક્રુડ ઓઈલની કિંમત તથા ડિસેમ્બર કોન્ટાક્ટ્ર કિંમત ૫૪૪.૫ રૂપિયા પ્રતિ ૧૦ કિલો રહી હતી. ગુરુવારના દિવસે તેની કિંમત ૬૯૧.૪૦ રૂપિયા પ્રતિ ૧૦ કિલો બોલાઈ હતી. તેલ બજાર સાથે જાડાયેલા નિષ્ણાંતોનું કહેવુ છે કે, એક સર્વે મુજબ નવેમ્બર મહિનામાં મલેશિયા પામ ઓઈલનો સ્ટોક જથ્થો ૮.૫ ટકા ઘટીને ૨૧.૫ લાખ ટન થઈ જવાનો અંદાજ રહેલો છે. તેલ અને તલની કિંમતોમાં આવનાર દિવસોમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારત ખાદ્ય તેલના મુખ્ય આયાતકાર દેશ તરીકે છે.