Western Times News

Gujarati News

ખાદ્ય તેલ મોંઘું થતા સૌરાષ્ટ્રમાં ગાંઠિયા-ફાફડાનો સ્વાદ ‘કડવો’ બન્યો!

રાજકોટ: દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં જાે ગાંઠિયાનું નામ પડે એટલે સૌરાષ્ટ્ર ચોક્કસ યાદ આવે. દેશભરમાં સૌરાષ્ટ્રના ગાંઠિયા વખણાય છે. જાેકે, આજકાલ ગાંઠિયાના સ્વાદ રસિયાઓને તેનો સ્વાદ કડવો લાગી રહ્યો છે! કારણ કે હાલ ગાંઠિયાના ભાવમાં નોંધપાત્ર ભાવવધારો જાેવા થયો છે. આ ભાવ વધારા માટે મુખ્ય કારણ તેલના ભાવમાં વધારો છે. આમ તો સૌરાષ્ટ્ર દેશભરમાં કપાસ અને મગફળીનું સૌથી મોટું ઉત્પાદક કેન્દ્ર છે પરંતુ સૌરાષ્ટ્રમાં જાણે કાર્ટેલ રચાઈ હોય તે રીતે પહેલેથી જ ઊંચા ભાવ ધરાવતા સિંગતેલ અને કપાસિયાના તેલના એકધારો અને બેફામ વધારો થઇ રહ્યો છે.

આજ કારણે છે કે હવે દેશભરમાં પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ મોંઘાદાટ થયા છે. વેપારીઓના મત મુજબ છેલ્લા એક મહિનામાં દરેક વેપારીઓએ ફાફડા અને ગાંઠિયામાં પ્રતિ કિલોએ રૂ. ૨૦થી ૪૦નો ભાવ વધારો કર્યો છે. હવે આ ફાફડા રૂ.૩૦૦થી ૩૨૦ના ભાવે વેચાય છે. જ્યારે સેવ, ટાઢી પાપડી, ભાવનગરી ગાંઠિયા સહિતનું અન્ય ફરસાણ જે પહેલા રૂ. ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલો વેચાતું હતું તેનો બાવ હવે ૨૦૨૦ રૂપિયાને પાર થઈ ગયો છે.

બીજી તરફ રાજકોટ સિંગતેલમાં આજે ફરી ડબ્બે રૂ. ૧૫નો વધારો થતા ૧૫ કિલોના નવા ડબ્બાનો ભાવ રૂ. ૨૪૫૦થી ૨૫૦૦ બોલાયો હતો. એક દિવસમાં જ કપાસિયા તેલમાં રૂ. ૨૫નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ. ૧૯૯૦થી ૨૦૦૦ને પાર થયો હતો. ગત વર્ષે સિંગતેલનો નવો ડબ્બો જે ભાવે મળતો હતો તેના કરતા પણ આ વર્ષે કપાસિયા તેલ વધુ ભાવે વેચાઈ રહ્યુ છે.

ફરસાણ બનાવવા માટે કપાસિયા તેલનો ઉપયોગ મહદ્‌અંશે થતો હોય છે. પાંચ-૧૦ રૂપિયામાં મળતા વિવિધ નમકીનમાં મોટાભાગે પામોલીન તેલ વપરાતું હોય છે, તેના ભાવ પણ ૧૯૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે. વેપારીઓના મત મુજબ ફાફડા-ગાંઠિયા સહિતના ફરસાણ માટે ખાદ્યતેલ મોંઘુ થવા ઉપરાંત ગેસનો કોમર્શિયલ બાટલાના ભાવ તેમજ ચણાના લોટનો ભાવ વધારે પણ જવાબદાર છે. આ જ કારણ છે કે ગાંઠિયાનો ભાવ વધી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.