ખાદ્ય મંત્રાલયે તમામ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો
નવીદિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્યું છે અને હવે અનેક મંત્રાલયોએ પણ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માંડ્યો છે. તાજો કેસ કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક મંત્રાલયનો છે. આ મંત્રાલયમાં હવે તમામ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક મામલાના મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે તેમના વિભાગમાં હવે કોઈ ચીની સામાન આવશે નહીં અને આ અંગે સર્ક્યુલર પણ બહાર પાડી દેવાયો છે. આ ઉપરાંત વિદેશી વસ્તુઓને ભારતીય માપદંડ બ્યુરો દ્વારા નિર્ધારીત માપદંડો પર ચકાસવામાં આવશે.
કેન્દ્રીય ખાદ્ય મંત્રીના આ નિર્ણય બાદ મંત્રાલય અને મંત્રાલય હેઠળ આવતા વિભાગો તથા સંગઠનોમાં જે પણ ખરીદી થશે તેમાં ચીની ઉત્પાદનો સામેલ થશે નહીં. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય હેઠળ ભારતીય ખાદ્ય નિગમ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન જેવા સંગઠનો પણ આવે છે.
મંત્રાલયના સર્ક્યુલરમાં કહેવાયું છે કે ચીનમાં બનેલી કોઈ પણ વસ્તુ જીઈએમ પોર્ટલ કે પછી બીજે ક્યાયથી પણ ખરીદવામાં આવશે નહીં.