ખાનગીકરણના વિરોધમાં 2 દિવસની હડતાળ, સતત 4 દિવસ બંધ રહી શકે છે બેંક
નવી દિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી છે. તેના વિરોધમાં સરકારી બેંકો (PSBs)ના કર્મચારીઓના સંગઠનોએ 15 અને 16 માર્ચના રોજ બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ કારણે માર્ચ મહિનામાં સતત 4 દિવસ સુધી બેંક બંધ રહી શકે છે.
બેંકના કર્મચારીઓએ 15 અને 16 માર્ચના રોજ હડતાળની જાહેરાત કરી છે. તેના પહેલા 13 માર્ચના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી રજા રહેશે અને 14 માર્ચના રોજ રવિવાર હોવાના કારણે બેંક બંધ હશે.
9 બેંક યુનિયનના કેન્દ્રીય સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ હડતાળની જાહેરાત કરી છે. ખાનગીકરણને લઈ સરકારી બેંકના કર્મચારીઓમાં ડર બેસી ગયો છે. મોટીથી લઈને નાની કોઈ પણ બેંક આ ખાનગીકરણનો શિકાર બની શકે છે.
બેંકોના ખાનગીકરણની જાહેરાત બાદ હવે બેંક યુનિયન્સની નારાજગી સામે આવી રહી છે. બેંક યુનિયન્સે સરકારી બેંકોના ખાનગીકરણ વિરૂદ્ધ હડતાળની જાહેરાત કરી છે. સાથે જ માર્ચ મહિનામાં બે દિવસ માટે બંધ પાળવા આહ્વાન કર્યું છે. બેંકોની આ બે દિવસીય હડતાળની સાથે સતત 4 દિવસો સુધી બેંક બંધ રહેશે.
અગાઉ 2019ના વર્ષમાં સરકારે IDBI બેંકનું ખાનગીકરણ કર્યું હતું અને છેલ્લા 4 વર્ષોમાં 14 સરકારી બેંકોનો વિલય પણ કરવામાં આવ્યો છે.