Western Times News

Gujarati News

ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઈવરોની એન્ટ્રી પર સિવિલના ટ્રોમા સેન્ટરમાં પ્રતિબંધ

પ્રતિકાત્મક

ટ્રોમા સેન્ટરના ત્રણ સુપરવાઈઝરની બદલી કરાઈ

(એજન્સી)અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મચાવેલા આતંક બાદ ગઈકાલે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ ડ્રાઈવર કરણ રાણાએ સિવિલ હોસ્પિટલના ક ર્મચારીઓને મને દર્દીઓને લઈ જવાની વર્ધી કેમ નથી આપતા ? તેમ કહીને હુમલો કર્યો હતો. હુમલા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવરોની દાદાગીરીનો ભાંડો ફૂટયો છે ત્યારે હવે પોલીસ ફરિયાદ થતાં ખરી હકીકત સામે આવશે.

આ સાથે સિવિલ હોસ્પિટલમાં થયેલી બબાલ બાદ સત્તાધીશોએ મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે. સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોની ટ્રોમા સેન્ટરમાં ‘નો એન્ટ્રી’ કરી દેવામાં આવી છે જ્યારે ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા સુપરવાઈઝરની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવાનો આદેશ આપી દેવાયો છે. સુપરવાઈઝરો સાથે ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોની સાથે સાઠગાંઠ નહીં રાખવાનું પણ સૂચન સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા કરી દેવાયું છે.

શહેર કોટડા વિસ્તારમાં આવેલી બહુચરનગરની ચાલીમાં રહેતા પ્રવિણ સાધુએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કરણ રાણા નામના એમ્બ્યુલન્સ ડ્રાઈવર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. પ્રવિણ સાધુ સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. પ્રવીણ છેલ્લા આઠ વર્ષથી સર્વન્ટ તરીકે ટ્રોમા સેન્ટરમાં કમલેશ કસાગતરા, મનોજ મકવાણા નોકરી કરે છે.

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે અલગ અલગ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો દર્દીઓને લેવા-મૂકવાનું કામકાજ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પ્રવિણ અને તેના સહકર્મીઓ નોકરી પર હાજર હતા ત્યારે કરણ રાણા નામના એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માથકૂટ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો જેને પ્રવિણ, મનોજ તેમજ કમલેશ ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા.

આ દરમિયાન ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર કરણ રાણા દોડીને મનોજ પાસે આવ્યો હતો અને મને દર્દી લઈ જવાની વર્ધી કેમ નથી આપતા તેમ કહેવા લાગ્યો હતો. મનોજ કંઈ બોલે તે પહેલાં કરણ રાણાએ તેને ગાળો બોલીને બબાલ કરવાનું શરૂ કરી દીધું હતું. મનોજે બબાલ કરવાની ના પાડતાં કરણ ઉશ્કેરાયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો.

આ ઘટના જોઈને મનોજના મિત્રો કમલેશ અને પ્રવિણ દોડી આવ્યા હતા જ્યાં કરણે તેમની સાથે પણ મારામારી કરી હતી. કરણ રાણા ટ્રોમા સેન્ટર માથે લીધા બાદ ત્યાંથી જતો રહ્યો હતો. સમગ્ર મામલો સિવિલના સત્તાધીશો સુધી પહોંચ્યો હતો. પ્રવિણ, કમલેશ તેમજ મનોજ પોલીસ ફરિયાદ ના કરે તે માટે કરણ રાણા અને તેના નજીકના લોકોએ તમામ મહેનત કરી હતી.

ગઈકાલે પ્રવિણની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર કરણ રાણા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ફરીયાદ નહીં કરવા માટે કરણ રાણાના સાથીદારોએ મનોજ સહિતના લોકોને ધાકધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ લાલ આંખ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ના બને તે માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા ત્રણ સુપર વાઈઝર જયેશ રાવત, આકાશ પટણી અને જીવણભાઈની બદલી કરી દેવાઈ છે. આ સાથે સિવિલ હોસ્પિટલના સિકયોરિટી ગાર્ડને એલર્ટ રહેવાના આદેશ આપી દેવાયા છે.

ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોની ટ્રોમા સેન્ટરમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તેમજ તમામ કર્મચારીઓને ડ્રાઈવરો સાથે સાઠગાંઠ નહીં રાખવાની સૂચના આપી દેવાઈ છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું છે કે, કર્મચારી પર હુમલો થયો તેની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. જ્યારે સુપરવાઈઝરોની બદલી પણ કરી દેવાઈ છે. સાથે ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોની ટ્રોમા સેન્ટરમાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ પણ મૂકી દેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.