ખાનગી કાર-બસના ભાડામાં ૩૦ ટકા સુધી થયેલો વધારો
અમદાવાદ, સરકારે દિવાળી વેકેશન ટૂંકાવ્યા બાદ અનેક લોકોએ એડવાન્સમાં દિવાળી વેકેશન માટે પ્લાન કરેલી ટૂર ડિસ્ટર્બ થઈ છે. તેથી આ વર્ષે પેકેજ ટૂર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના બુકિંગમાં ઘટાડો થયો છે. વેકેશન નાનું થતાં લોકો હવે ચારથી પાંચ દિવસના ટૂર પ્લાનિંગ તરફ વળ્યા છે. પરંતુ બીજીબાજુ, ખાનગી કાર-બસના ભાડામાં પંદરથી ત્રીસ ટકા સુધીનો ભાડા વધારો ઝીંકી લૂંટ ચલાવાતાં પ્રવાસીઓનું ફરવા જવાનું પ્લાનીંગ તો ડિસ્ટર્બ થયું છે.
પરંતુ સાથે સાથે લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી પણ ફેલાઇ છે. ઓછા દિવસ માટે બહારગામ ફરવા જવા માગતા લોકો મોટા ભાગે ખાનગી બસો કે ખાનગી કારનો ઉપયોગ કરે છે પણ ડીઝલના ભાવવધારાના કારણે ભાડા પણ અત્યંત મોંદ્યા થઈ જતાં આ વખતે ખાનગી બસોના ભાડામાં ૧૦ થી ૧૫ ટકા, ખાનગી કારના ભાડામાં ૩૦ ટકા અને પેકેજ ટૂરના ભાવમાં ૧૦ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આથી પ્રજા માટે દિવાળી પર પ્રવાસ કરવો અત્યંત મોંદ્યો બન્યો છે. ગત વર્ષે ટેમ્પો ટ્રાવેલના ભાવ રૂ.૧૭ થી ૨૦ હતા તે રૂ.૨૨ થી ૨૫, લકઝરી બસમાં રૂ.૨૮ થી ૩૦ હતા તે રૂ.૩૨ થી ૩૫, એસી બસમાં રૂ.૪૦ થી ૪૫ છે. ઈનોવા કાર રૂ.૧૧ અને ૧૨ હતા તેમાં રૂ.ર થી ૩નો વધારો કર્યો છે.
અમદાવાદથી રાજકોટ વોલ્વોનું ભાડું રૂ.૪૫૦માંથી રૂ.૫૦૦, સુરતનું રૂ.૪૦૦માંથી રૂ.૪૫૦, મુંબઈના રૂ.૬૦૦માંથી રૂ.૬૫૦, જયપુરના રૂ.૭૦૦માંથી રૂ.૮૦૦ થઈ ગયા છે. જે ૧પ ટકા વધારા સાથેના છે. કોઈ પણ સ્થળે ખાનગી લકઝરી બસમાં જવા માટે મુસાફરે રૂપિયા ૪૦ થી ૧૦૦નો વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ખાનગી ઓપરેટરો લૂંટને લઇ પ્રજાજનોમાં ઉગ્ર આક્રોશ ફેલાવા પામ્યો છે.
ભાડા વધારાને લઇ પ્રજાજનોમાં ખાસ કરીને મહિલા, વૃદ્ધો સહિતના પ્રવાસીઓમાં સરકાર દ્વારા આ મામલે કોઇ અસરકારક નિયંત્રણ ગોઠવવા માંગણી ઉઠવા પામી છે.