ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના બેડની વિગત દર્શાવતી વેબસાઈટમાં ધાંધિયા
ર,૩ર૯ બેડની ક્ષમતા સામે માત્ર ૯૦ દર્દી સારવાર હેઠળ-કોરોના હજુ ગયો નથી પણ ‘આહના’ની વેબસાઈટ હવે રોજેરોજ અપડેટ થતી નથી
અમદાવાદ, અમદાવાદમાંથી કોરોનાનો ભય જતો નથી રહ્યો. કોરોનાના નવા કેસ હજુ પણ નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે કોરોનાના નવા ૪૭ કેસ મ્યુનિ. તંત્રના ચોપડે ચઢ્યા હતા, જેના કારણે શહેરમાં કોરોનાના કુલ પ૭,૮૧૧ કેસ થઈ ચૂક્યા છે, જ્યારે કોરોનાએ કુલ ર,ર૪૯ દર્દીનો ભોગ લીધો છે. આમ કોરોના શહેરમાંથી હજુ ગયો નથી તેમ છતાં અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન એટલે કે ‘આહના’ની ખાનગી કોરોના ડેઝિગ્નેટેડ બેડની માહિતી દર્શાવતી વેબસાઈટ અનિયમિત બની છે.
‘આહના’ સાથે હાલની સ્થિતિએ કુલ ૬૭ ખાનગી હોસ્પિટલ કોરોના દર્દીની સારવાર હેતુથી સંકળાયેલી છે. છેક મે-ર૦ર૦ના હાઈકોર્ટ એક ઓર્ડર મુજબ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના સેલ્ફ પેમેન્ટ બેસિઝ આધારિત કોવિડ બેડની સ્થિતિ દર્શાવવી જરૂરી બની છે.
શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ સાવેુ સાવ થતા જ નથી એવું નથી. તેમ છતાં ‘આહના’ની વેબસાઈટમાં જે તે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના બેડની વિગતને નિયમિત રીતે અપડેટ કરાતી નથી. આ વેબસાઈટ પર ત્રણ દિવસ જૂની એટલે કે તા. ૧૪ ફેબ્રુઆરીની સાંજના પાંચ વાગ્યાની વિગત મુકાઈ છે.
‘આહના’ની વેબસાઈટમાં દર્શાવાયેલી વિગત મુજબ ગત તા. ૧૪ ફેબ્રુઆરીની સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ ૬૭ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના કુલ ર,૩ર૯ બેડ પૈકી માત્ર ૯૦ બેડપર કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. આઈસોલેશનના ૯૮૦ બેડ ખાલી હોઈ ૪ર દર્દી સારવાર હેઠળ છે. વેન્ટિલેટર વગરના આઈસીયુના ૩૬ર બેડ ખાલી હોઈ ૧૧ દર્દી સારવાર હેઠળ છે.,
તો વેન્ટિલેટર ધરાવતા આઈસીયુના ૧૭૩ બેડ ખાલી હોઈ માત્ર આઠ દર્દી વેન્ટીલેટર પર છે.
એટલે અત્યારે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલના આશરે ૯૭ ટકા બેડ ખાલી પડ્યા છે. જાેકે આ વેબસાઈટને નિયમિત રીતે અપડેટ કરવાની જરૂર છે. બીજી તરફ મ્યુનિ. તંત્ર પણ હવે આળસુ બન્યું હોય એમ લાગે છે, કેમ કે હવે વેક્સિનેશનને લગતી વિગત પણ હેલ્થ વિભાગ આપતો નથી.
જાે સત્તાવાળાઓનો એવો દાવો હોય કે ૯૦ ટકાથી વધુ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાઈ ગઈ છે અને સિનિયર સિટીઝનને વેક્સિન આપવાના દિવસે બહુ દૂર નથી તો હેલ્થ વિભાગ વેક્સિનેશનની માહિતી આપવાનું કેમ ટાળી રહ્યો છે તે સમજાતું નથી.
કોરોનાના કેસની માહિતી છુપાવવામાં પાવરધો પુરવાર થયેલા મ્યુનિ. હેલ્થ વિભાગ સામે કોરોનાના ઝોન દીઠ એક્ટિવ કેસની માહિતી પર ઢાંંકપિછોડો કરવાના ગંભીર આક્ષેપ તો છેલ્લા પાંચ દિવસથી ઉઠી જ રહ્યાં છે. પરંતુ હવે કોરોના વેક્સિનેશનની વિગત પણ જાહેર કરાતી નથી. ઉપરાંત ગત સોમવારથી હેલ્થ વર્કર્સને કોરોના વેક્સિનનો બીજાે ડોઝ પણ અપાઈ રહ્યો છે. જાે કે કેટલા હેલ્થ વર્કર્સેે કોરોનાનો બીજાે ડોઝ લીધો એ વિગત પણ હેલ્થ વિભાગ છુપાવીને બેઠો છે.