ખાનગી લક્ઝરીના સંચાલકોએ ભાડામાં રૂ.૧૦૦થી રૂ.૨૦૦નો વધારો કર્યો
અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી સતત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યું છે. જેમા ખાસ કારીને ટ્રાન્સપાૅર્ટ બિઝનેસને મોટી ખોટ પડી છે. સતત ૩/૪ મહિના સુધી ખાનગી બસ સેવા બંધ હોવાના કારણે કંપનીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે અનલોકમાં સરકારે કેટલીક શરતો સાથે બસ સેવા શરૂ કરાઈ છે. જેમાં ૩૦ ટકાથી વધુ મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે બસ સંચાલકોને ભાડું પોસાય એમ ન હોવાથી હવે ખાનગી લક્ઝરીઓના ભાડામાં ૧૦૦થી ૨૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
તહેવારોના સમયમાં ખાનગી બસ સેવા શરૂ થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ અચાનક ભાડાંમાં ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો વધારો થતા લોકોના બજેટ પર મોટી અસર જોવા મળી છે. બસ સંચાલકોએ પણ મજબૂરીમાં ભાડાં વધારવાનો ર્નિણય લીધો છે. કારણ કે સરકારની ગાઈડલાઈન અનુસાર ખાનગી તેમજ સરકારી એમ તમામ બસોની બેઠક વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ સ્ક્રીનિંગ કરી તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ જ તમામ મુસાફરોને બસમાં એન્ટ્રી મળે છે. સાથે જ હાલમાં એક સીટ પર એક જ મુસાફરને બેસાડવામાં આવે છે. જેના કારણે બસ સંચાલકોને આર્થિક નુકસાન પડી રહ્યું છે.
હાલમાં ખાનગી લક્ઝરી બસમાં માત્ર ૧૫થી ૨૦ મુસાફરોને જ બેસાડવામાં આવે છે. તેવામાં બસના ડ્રાઈવર તેમજ ક્લિનરનો ખર્ચ અને ડિઝનનો ખર્ચ કાઢીને બસ સંચાલકને નફાથી વધારે નુકસાન થઈ રહ્યું છે. મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી ખાનગી બસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો અમદાવાદથી સુરત અથવા સુરતથી અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાંથી અવર-જવર કરતી ખાનગી બસોની સંખ્યામાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.