ખાનગી લેબોરેટરીમાં થતાં કોરોનાના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર : નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિમાં ખાનગી લેબોરેટરી દ્વારા ટેસ્ટીંગની કિંમત રૂ. ૪૫૦૦ લેવાતી હતી તેમાં ઘટાડો કરીને હવે રૂ. ૨૫૦૦ લેવાના રહેશે એવો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યના હિતમાં લીધો છે આ નિર્ણયનો અમલ આજથી જ શરૂ થઇ જશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, કોરોનાના ટેસ્ટીંગની કામગીરી હાલ રાજ્ય સરકારની માલિકીની હોસ્પિટલો અને મેડીકલ કોલેજોમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. અંદાજે દરરોજના ૪૦૦૦ થી ૪૫૦૦ જેટલા ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, દર્દીને કોરોનાના લક્ષણો જણાય તો એમ.ડી. ફીઝીશ્યન ડોક્ટરો જો ટેસ્ટીંગ માટે અભિપ્રાય આપે તો ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. આ ખાનગી લેબોરેટરીઓ ટેસ્ટીંગની કિંમત રૂ. ૪૫૦૦ લેતી હતી તે સંદર્ભે મળેલી રજુઆતો અને નામદાર હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ આ રકમ ઓછી કરવા માટે ગઇ કાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, હાલ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગના ચાર્જ જે રૂ. ૪૫૦૦ લેવાય છે તે હવેથી રૂ. ૨૫૦૦ લેવાના રહેશે, તેમજ ટેસ્ટીંગ માટે દર્દીઓ લેબોરેટરીના માણસોને ઘરે કે હોસ્પિટલમાં બોલાવે ત્યારે તેનો ચાર્જ રૂ. ૩૦૦૦ ખાનગી લેબ દ્વારા લેવાનો રહેશે. આમ રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરીમાં જે ચાર્જ લેવાતો હતો તે નાગરિકોના હિતમાં રૂ. ૨૦૦૦ થી રૂ. ૧૦૦૦નો ઘટાડો કર્યો છે. હવેથી ખાનગી લેબોરેટરીઓએ આ મુજબનો ચાર્જ વસુલવાનો રહેશે. જો વધુ ભાવ લેવા સંદર્ભે રજુઆતો કે ફરીયાદો મળશે તો ખાનગી લેબોરેટરીની માન્યતા રદ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, અમદાવાદમાં જે રીતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે છેલ્લા અઠવાડીયામાં કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ વ્યવસ્થાને સંતોષકારક રીતે આગળ વધારવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના સૂચન મુજબ અમદાવાદ શહેરના ગીચ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા મહોલ્લે મહોલ્લે સર્વેલન્સ અને આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે ગીચ વિસ્તારોમાં કેસોનું પ્રમાણ ઘટી રહ્યુ છે હવે જ્યારે સુરતમાં પણ કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ સંદર્ભે પણ સુરત ખાતે અમદાવાદ મોડલ આધારીત સર્વેલન્સ સહિત આરોગ્યલક્ષી સારવાર ધન્વંતરી રથ દ્વારા પુરી પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, એ માટે આરોગ્ય સચિવ શ્રી ડૉ. જ્યંતી રવીએ મુલાકાત લઇને સંપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડ્યું છે અને આરોગ્ય કમિશનરશ્રી પણ ત્યાં કેમ્પ કરીને સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. રાજ્યના કોઇપણ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધે એ રાજ્ય સરકાર ચલાવી લેવા માંગતી નથી. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યા સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી તમામ કામગીરીનું સઘન આયોજન રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.