ખાનગી વાહનોમાં મુસાફરી સાથે કોરોના ફ્રી….!! ખીચોખીચ ભરાતા વાહનોથી કોરોના સંક્રમણનો ભય
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.અને કોરોનાનાં કેશો રોકેટ ગતિએ વધી રહ્યા છે અને મૃત્યુની સંખ્યા પણ વધી રહી દિવાળી પર્વ બાદ તો હોસ્પિટલોમાં જગ્યા પણ નથી મળતી .
ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જ્યાં સુધી વેકસીનનાં આવે ત્યાં સુધી તમામે માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તે જ સૌથી મોટી વેક્સીન છે.પરંતુ લોકો બહુ મોટી ભૂલો કરી રહ્યા છે.
ઘણા લોકો માસ્ક પણ પહેરતાં નથી અને ડીંસ્ટન્સ પણ જાળવતાં નથી. અરવલ્લી જીલ્લાના મુખ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં રીક્ષા તેમજ ખાનગી વાહનમાં પેસેન્જરોને ઘેટાં-બકરાની માફક બેસાડીને મુસાફરી સાથે કોરોના ફ્રી આપી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે
ખાનગી જીપ ચાલકો મુસાફરોને અંદર અને જીપની બહાર અને ઉપર નીચે ખીચોખીચ મુસાફરો ભરી મોતની સવારી કરાવી રહ્યા હોવા છતાં પોલીસતંત્ર કે આરટીઓ તંત્ર આંખ આડે કાંન કરી રહ્યું છે.
સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને માસ્ક ન પહેરવા અને ટ્રાફિકના યોગ્ય નિયમોનું પાલન ન કરવા અંગે દંડ વસુલવામાં પાવરધું પોલીસ અને આરટીઓ તંત્ર જીલ્લામાં ખાનગી પેસેન્જર વાહનોમાં ખીચોખીચ મુસાફરો ભરી વાહન હંકારતા હોવા છતાં આંખ આડે કાન કરી રહ્યું હોવાથી બેફામ બન્યા છે
વાહનોની કેપેસીટી કરતા ત્રણ થી ચાર ગણા મુસાફરો ઠસોઠસ ભરી કોરોનાની મુસાફરી કરાવી રહ્યા છે ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરેલા મુસાફરો માસ્ક પણ પહેરતા ન હોવાથી એકાદ મુસાફર કોરોના સંક્રમીત હોય તો સુપર સ્પ્રેડર બની શકે છે
આવા ખાનગી વાહન ચાલકો જ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસતંત્ર અને આરટીઓ વિભાગ ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા અને કોરોના સંક્રમણની સરકારી ગાઈડ લાઇનનું ઉલ્લઘન કરનાર ખાનગી વાહન ચાલકો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથધરે તે ખુબ જ જરૂરી બન્યું છે
મેઘરજ પંથકમાં ખાનગી જીપ ચાલકો ખીચોખીચ મુસાફરો ભરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે ત્યારે મેઘરજ પોલીસ આળસ ખંખેરી મોતની સવારી કરાવી ખુલ્લેઆમ હેરાફેરી કરતા ખાનગી વાહનચાલકો સામે લાલ આંખ કરે તેવી લોકોમાં માંગ પ્રબળ બની છે.