Western Times News

Gujarati News

ખાનગી શાળા છોડી વાલીઓ સરકારી શાળાની તરફ વળ્યા

પ્રતિકાત્મક તસવીર

સુરત મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં હાઇટેક અને ઘણી સારી સુવિધાઓ સાથે ગુણવત્તાયુકત શિક્ષણ આપવાનું શરૂ કર્યું
સુરત, સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં ૩૪૪ અને ૩૪૬ શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમીશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે એડમીશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે. આમ, હવે જાગૃત અને સમજદાર વાલીઓ દ્વારા નવા ટ્રેન્ડનો ચીલો સામે આવી રહ્યો છે અને ખાનગી કે હાઇફાઇ સ્કૂલનો ખોટો મોહ કે દંભ છોડી સારૂ અને સાચા અર્થમાં ગુણવત્તાયુકત શિક્ષણ પૂરુ પાડતી સરકારી શાળામાં પોતાના સંતાનોને ભણાવવાનો બહુ જ સારો કહી શકાય તેવો સંદેશો સમાજમાં વહેતો કર્યો છે.

અમદાવાદ શહેરમાં પણ હવે મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં હાઇટેક અને ઘણી સારી સુવિધાઓ સાથે ગુણવત્તાયુકત શિક્ષણ આપવાનું શરૂ કર્યું હોઇ શહેરીજનો પણ તેમના સંતાનોને સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ લેવાનું શરૂ કર્યું છે. જેથી હવે ખાનગી શાળાઓનો દંભ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં ૨૦૧૭માં ૩૦૦ વિદ્યાર્થીની સંખ્યા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં ૩૪૪ શરૂ કરવામાં આવી હતી. જા કે, બે જ વર્ષમાં અન્ય એક સ્કૂલ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૪૬ને મર્જ કરી વર્ગો વધારી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી હતી. આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં વર્ગની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો છે. નવા એડમીશન માટેની અરજીઓમાં ૯૮ ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની છે.

ઉત્રાણની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધરવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મીયતા છે. શાળના આચાર્યએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આત્મીયતા હોય અને વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી રજૂ કરી શકે તેવું વાતાવરણ સ્કૂલમાં બનાવવામા આવ્યું છે. સ્કૂલમાં સર અને ટીચરનું સંબોધન વિદ્યાર્થીઓ કરતાં જ નથી તેના બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન કરે છે.

આવા પ્રકારના સંબોધનના કારણે આત્મીયતા વધતાં ગુરૂ અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ ઘટી જતાં તેઓની સમસ્યા ઘણી સરળતાથી દૂર થઈ શકે અને તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે. શિક્ષણ સમિતિની ઉત્રાણ સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે આત્મીયતા ઉપરાંત આચાર્ય અને શિક્ષકોના બાળકો જ અભ્યાસ કરતે તે પણ છે. આ સ્કૂલના આચાર્ય અને કેટલાક શિક્ષકોએ અન્ય વાલીઓમાં વિશ્વાસ વધે અને શિક્ષણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે અનોખો પ્રયોગ કર્યો છે.

શાળાનાં આચાર્યના બન્ને બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત આ સ્કૂલના કેટલાક શિક્ષક અને સમિતિના કેટલાક શિક્ષકો જેઓ આ વિસ્તારમાં રહે છે તેના પણ કેટલાક બાળકો ઉત્રાણની સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે આચાર્ય અને શિક્ષકોના બાળકો જ શાળામાં અભ્યાસ કરતાં હોય તેવી શાળામાં વાલીઓનો વિશ્વાસ પણ વધે છે. ડોક્ટરો, શિક્ષકો, બિઝનેસમેન સહિતના વ્યવસાય સાથે જોડાયેલા વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડી આ શાળામાં મૂકવા તૈયાર થયા છે. પરિણામે આ શાળામાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખાનગી શાળા છોડીને આ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.