ખાનગી સ્કૂલ વાહન ટેક્સી પાસિંગ કરાવવા RTOમાં ધસારોઃ
ખાનગી પાસિંગ ધરાવતાં સ્કૂલ વાહનો સીધાં ડિટેઈન કરાશે- એક મહિનો રાહત આપવા એસોસિયેશનની અપીલ
(એજન્સી) અમદાવાદ, રાજકોટ શહેરના ગેમ ઝોન અÂગ્નકાંડ બાદ તમામ સરકારી તંત્રને એલર્ટ બનાવાયા છે. આ દુર્ઘટના બાદ જાગેલા જન આક્રોશ અને હાઈકોર્ટના કડક વલણે શિક્ષણ વિભાગ, આરટીઓ અને અન્ય વિભાગોને સફાળા દોડતા કર્યા છે.
વેકેશનના સમયમાં શિક્ષણ વિભાગ શાળાઓમાં સતત નીતિ-નિયમોના પાલન બાબતે ચેકિંગ કરી રહ્યો છે તો બીજી તરફ આરટીઓમાં ખાનગી સ્કૂલ વાહનના ટેકસી પાસિંગ કરાવવા માટે ધસારો વધ્યો છે, જે રીતે આ પ્રક્રિયામાં સમય લાગવાનો છે તે જોતાં એટલો સમય સ્કૂલ વાહન બંધ રાખવાનું વાહન માલિકને પોસાય તેમ નથી એટલે તેઓ એસોસિયેશનના શરણે ગયા છે ત્યારે સ્કૂલવાન એસોસિયેશને એક મહિનો રાહત આપવા સરકારને વિનંતી કરી છે.
રાજયભરની શાળાઓ ૧૩ જૂન એટલે કે માત્ર બે દિવસના સમયગાળામાં ખૂલી રહી છે. ઘણી બધી ખાનગી શાળાઓમાં તો ૧૦ જૂનથી શિક્ષણકાર્ય ચાલુ થઈ ગયું હોવાનું જાણવા મળે છે. શાળાઓ શરૂ થતાં જ આરટીઓ દ્વારા સ્કૂલવાન ચેકિંગની ઝુંબેશ કડકાઈ સાથે હાથ ધરાશે. હાલમાં ઘણી બધી સ્કૂલવાન ખાનગી પાસિંગ ધરાવે છે. નિયમાનુસાર તેમની પાસે ટેકસી પાસિંગ હોવું ફરજિયાત છે. રાજય સરકારે તમામ આરટીઓને શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં અને પછી પણ સ્કૂલવાહનોનું ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે.
આ અંતર્ગત આરટીઓ દ્વારા શહેરમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન કરાવતા ઓટોરિક્ષા તેમજ સ્કૂલવાન ચાલકોને નવું શૈક્ષણિક સત્ર ચાલુ થાય તે પહેલાં જ નિયમાનુસાર સ્કુલવાનને ટેકસી પાસિંગ, પરિવહનની મંજૂરી, ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાવી લેવા જણાવ્યું હતું.
તેના માટે તંત્ર કડક હાથે કામગીરી કરવા માટે સજ્જ છે, પરંતુ હવે સ્કુલ વેકેશન ખૂલવાને માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ખાનગી પાસિંગમાં ટેકસી કે સ્કુલવાન ચલાવતાં વાહન માલિકો પર તવાઈ આવશે. માટે સ્કૂલવાન એસોસિયેશન ટેકસી પાસિંગ માટે મુદત આપવાની માગ સાથે હરકતમાં આવ્યું છે.
આરટીઓએ આગામી તા.૧૩ જૂનથી શૈક્ષણિક સત્ર ચાલુ થયા પછી ચેકિંગ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે, જે નિર્દેશના પગલે શહેરમાં હજારોની સંખ્યામાં ચાલતી સ્કૂલવાન ને ટૂંકા ગાળામાં તમામ વાહનો ટેકસી પાસિંગ થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ચાલકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
સ્કૂલવાનમાં ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ટેકસી પાસિંગ કરવામાં અંદાજિત એક મહિના જેટલો સમય વીતી જાય તેમ છે. સલામતી દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, જયારે કોઈ ખાનગી વાહનમાં મુસાફરી કરે કે ટ્રાન્સપોર્ટ વાહનમાં એટલે દરેક વાહનમાલિકે પોતાના વાહનના તમામ ડોકયુમેન્ટ, સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સની તકેદારી રાખવી ફરજિયાત છે, જેથી અકસ્માત કે અન્ય કિસ્સામાં વીમો કવર થઈ શકે.
શહેરમાં ફરતી અને બાળકોને તેમના ઘરેથી સ્કુલ અને સ્કુલથી ભરી તેમના ઘેર તેડવા-મૂકવા જતી અંદાજે ૬૦ ટકા જેટલી સ્કૂલવાન ટેકસી પાસિંગ નથી. જે વાન ટેકસી પાસિંગ હશે તેને સફેદના બદલે પીળા રંગની નંબર પ્લેટ લગાવેલી હશે.
શહેરમાં મોટા ભાગની ખાનગી સ્કૂલવાન જ ટ્રાન્સપોર્ટ વાહન તરીકે દોડી રહી છે ત્યારે કોઈ અકસ્માતના કિસ્સામાં વાહનનો વીમો અને બાળકોને વીમા કવરનો લાભ મળતો નથી. આથી બાળકો પર જોખમ રહે છે.