Western Times News

Gujarati News

 ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે દરિયાપુરના કોરોના પેશન્ટનું મૃત્યુ

પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલ સામે આક્ષેપ કર્યો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: શહેરમાં કોરોના ના કહેર વધી રહ્યો છે તેવા સંજોગોમાં ગંભીર દર્દીઓને સારવાર આપવામાં કેટલીક ખાનગી હૉસ્પિટલો બેદરકાર સાબિત થઈ રહી છે. થોડા દિવસો પહેલા આવા કારણોસર જ મ્યુનિસિપલ કોર્પોરેશને બે ખાનગી હોસ્પિટલો ને દંડ કર્યો હતો. ખાનગી હોસ્પિટલ ની બેદરકારીના કારણે દર્દી જીવ પણ ગુમાવી રહયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના દરવાજે 45 મીનિટ સુધી જીવન મરણ વચ્ચે જંગ લડતા 72 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો હતો.જેના માટે દર્દીના પરિવારજનો એહોસ્પિટલના સ્ટાફ સામે  આંગળી ચીંધી છે. તેમજ સ્ટાફની લાપરવાહીના કારણે જ મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર દર્દનાક ઘટના અંગે પ્રાપ્ય માહિતી મુજબ દરિયાપુરના વાડીગામ ખાતે રહેતા હરીશચંદ્ર કડીયાને 20 દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ત્યાં જગ્યા ન હોવાથી ખાનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં હરીશચંદ્રને દાખલ કર્યા હતા.

20 દિવસની સારવાર દરમિયાન દર્દી હરીશચંદ્ર એકદમ સ્વસ્થ થઈને વાતો કરવા લાગ્યા હતા. સાત દિવસ પહેલા હોસ્પિટલમાં તેવોએ જન્મદિવસની ઉજવણી કરી અને પોતે સામાન્ય શ્વાસની તકલીફ સિવાય સ્વસ્થ હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.શ્વાસ ની તકલીફના કારણે દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી હતી.

લાઇફ કેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી હોસ્પિટલ તરફથી દર્દી હરીશચંદ્રને અન્ય હોસ્પિટલ લઈ જવા ડૉક્ટરોએ પરિવારને જણાવ્યું હતું. દર્દીને લઈને પરિવારજનો રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગ પહોંચ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે દરવાજો ના ખોલતા પરિવારે દર્દીને એડમિટ કરવા અંદર લઈ લેવા સ્ટાફને જણાવ્યું હતું.

જોકે, હાજર કર્મચારીએ ચાવી ખોવાઈ ગયાનું બહાનું બતાવી 45 મીનીટ સુધી દરવાજો ના ખોલતા હોસ્પિટલના ગેટ પર વૃદ્ધ હરિશચંદ્રએ દમ તોડ્યો હતો. હરિશચંદ્રના સ્વજનોએ આ સમગ્ર બાબત જણાવતા કહ્યું હતું કે,લાઈફ કેર હોસ્પિટલના ડૉકટરે તેમના ત્યાં વેન્ટિલેટર ન હોવાથી રાજસ્થાન હોસ્પિટલના ડૉકટર સાથે વાત કરી અમને શિફ્ટ કરવા કીધું હતું.

જોકે અમે રાજસ્થાન હોસ્પિટલ આવ્યા તો સ્ટાફે એડમિટ કર્યા ન હતા. રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી કુટુંબના મોભીનું મોત થયું છે. સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા કોઈજ ધ્યાન આપવામાં આવતું નથી.

50 હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ. થયા છે પરંતુ તેની સામે ગંભીર દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઓછી છે. આ હોસ્પિટલોમાં માત્ર જેટલા જ 50 આઈ.સી.યુ વેન્ટિલેટર રૂમ ઉપલબ્ધ છે.દરિયાપુરના પેશન્ટને આવા જ કારણોસર  ખાનપુરની હોસ્પિટલમાંથી રાજસ્થાન હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી.પરંતુ રાજસ્થાન હોસ્પિટલના સ્ટાફે માનવતા ગુમાવી હતી જેના કારણે દર્દીનું મૃત્યુ થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.