ખાનગી હોસ્પિટલ કરતાં સરકારી હોસ્પિટલમાં વધુ સારી સારવાર અને સુવિધા : હિરેન શાહ
કોરોના વોરિયર્સનો સ્વ-અનુભવ-હોસ્પિટલમાં એક પણ દર્દીને સારવાર, સુવિધા અંગે ફરિયાદ નહોતી
42 વર્ષના હિરેનભાઈ શાહની સરકારી આરોગ્યસેવા વિશેની માન્યતામાં ધળમૂળથી પરિવર્તન આવી ચૂક્યું છે. સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં વધુ સારી સારવાર થાય એવી તેમની માન્યતા બદલાઈ ચૂકી છે. કોવીડ કટોકટીમાં તે એવું માનતા થયા છે કે સરકારી હોસ્પિટલોમાં સારવાર અને સુવિધાઓ ઉત્તમ છે.
આવું કેવી રીતે બન્યું ? જઈએ થોડા ફ્લેશબેકમાં… હિરેનભાઈ શાહ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. તેમની ઉંમર 42 વર્ષ છે. 8 નવેમ્બર,2020 એ હિરેનભાઈને શરદી-ખાંસીની તકલીફ થઈ. તેમણે અમદાવાદ શહેરના રાયપુર ચકલા વિસ્તારના એક ટેસ્ટિંગ બુથમાં રેપીડ ટેસ્ટ કરાવ્યો. તે નેગેટિવ આવ્યો.પણ ત્રણ દિવસ બાદ 11 નવેમ્બર,2020 તેમના ઘર પાસેના કોરોના ટેસ્ટિંગ બુથમાં RT-PCR ટેસ્ટ કરાવ્યો. તે પોઝિટિવ આવ્યો. તબીબોએ પ્રાથમિક સારવાર કરવા સૂચવ્યું. તે શરુ કરી. પણ 13 નવેમ્બર,2020એ અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ. તેમણે 108ને ફોન કર્યો.તરત જ 108 આવી પહોંચી અને હિરેનભાઈની મરજી અનુસાર SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.SVPમાં દર્દીઓનો ધસારો વધારે હોવાથી તેમને અસારવા ખાતે આવેલી GCS મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા. અહીં તબીબોએ સારવાર શરુ કરી. અને 20 નવેમ્બર,2020એ તેમને રજા આપવામાં આવી. હાલ તેઓ બિલકુલ સ્વસ્થ છે.
હિરેનભાઈ કહે છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ એ વાતનો સ્વીકાર કર્યો કે સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતા વધુ સારી સારવાર અને સુવિધાઓ મળે છે. તેઓ ઉમેરે છે કે, જો આ જ સારવાર અમે ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો અંદાજે 4 લાખ રુપિયાનો ખર્ચ થયો હોત.
હિરેનભાઈ GCSની તેમની કોરોના ટ્રીટમેન્ટના સંસ્મરણો વાગોળતા કહે છે, મારી આસપાસ બોપલ, થલતેજ, મણિનગર જેવા વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને આ દર્દીઓ સારવારથી ભારે સંતુષ્ટ હતા. તે કહે છે કે હોસ્પિટલમાં સ્ટાફ ખૂબ જ સંવેદનશીલ હતો અને દરેક દર્દી પર અંગત ધ્યાન અપાતું હતું.
હિરેનભાઈ મેડિકલ સ્ટાફની સેવાભાવનાને બિરદાવવાનું ચૂકતા નથી. તેઓ કહે છે કે, તબીબો અને અન્ય સ્ટાફ જીવના જોખમે પણ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, આપણે સૌએ તેમનો વિચાર કરવો જોઈએ. સાવચેતી રાખવી જોઈએ, જેથી તેમના પરનું ભારણ ઘટે.
હિરેનભાઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિશેષ સુવિધાઓ વિશે વાત કરતા કહે છે કે કોવીડના દર્દીઓના સ્પેશિયલ ડાયેટને અનુરુપ વીટામિન્સ, ઝીંકથી ભરપૂર ખોરાક પૂરો પાડવામાં આવ્યો. અમને બે ટાઈમ પૌષ્ટિક આહાર અપાતો તે ઉપરાંત જ્યૂસ અને રાત્રે હળદરવાળું દૂધ પણ અપાતું.
20 નવેમ્બર, 2020એ હિરેનભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. સદનસીબે તેમના પરિવારના સભ્યોનો કોવીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હિરેનભાઈ લોકોને અપીલ કરે છે કે, સરકારને સહયોગ આપો. સાથે જ સાવચેતી રાખો અને સલામત રહો.