Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિ.માં ઓક્સિજન ખૂટતાં કલાકમાં ૫નાં મોત

Files Photo

ડીસા: જિલ્લામાં ઓક્સિજનના અભાવે ૮ દર્દીના મોત નીપજતાં હાહાકાર મચ્યો છે.ડીસાની હેત આઈસીયુમાં ૫,પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ૩ મોત,શગુન આઈસીયુમાં એકનું મોત થયું હતુ. કોરોનાના દર્દીઓ પાલનપુર અને ડીસાની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર તેમજ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.બુધવારે જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત વચ્ચે ખાનગી હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જાેખમમાં મુકાઈ ગયા હતા. ઓક્સિજનના અભાવે પાલનપુર ડીસામાં ૮ જણના મોત નિપજી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ડીસાની ખાનગી હેત આઇસીયુમાં ૫ જ્યારે પાલનપુરની સિવિલમાં ૩ના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું.

ડીસાના ડોકટર હાઉસ વિસ્તારમાં આવેલા હેત આઇસીયુમાં બુધવારે પાંચ લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી હતી. છેલ્લા ચાર દિવસથી દર્દીઓને ડીસાના હેત આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમણે ઓક્સિજનની જરૂર હતી પરંતુ અચાનક હોસ્પિટલમાં ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું. બીજીતરફ હોસ્પિટલ તબીબે ૨ના મોતની પુષ્ટિ કરી હતી. જ્યારે મૃતકના સગા ૫ના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા. ઘટના સ્થળે ડીસા મામલતદારની ટીમ પણ દોડી આવી હતી.

તો બીજી તરફ પાલનપુર સિવિલમાં બપોરે ૨ વાગે ઓક્સિજનની ટેન્ક બદલાતી હતી તે વખતે થોડા સમય માટે ઓક્સિજનનો સપ્લાય ઓછો થઈ જતા ૩ના મોત નીપજયા હતા. સિવિલ સૂત્રોએ જણાવ્યું કે સારવારમાં કોઈ કસર બાકી રાખી નથી પણ જ્યારે દર્દીને શ્વાસ લેવામાં જ તકલીફ પડતી હોય તો અમે લાચાર હાલતમાં મુકાઈ જઈએ છીએ. નજર સામે રડતા દર્દીઓના સગાને હવે નથી જાેઈ શકતા. કોવિડ સિવાયની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત પણ ઓક્સિજનના અભાવે અત્યંત કફોડી બની ગઇ હતી.

દિલ્હીગેટ નજીક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દાખલ ૨ દર્દીઓએ ઓક્સિજનના અભાવે પોતાના જીવ બચાવવા અન્યત્ર શિફ્ટ થવું પડ્યું હતું. પાલનપુરમાં ઓક્સિજન ખુટી પડયા બાદ કડીથી ૧૫ મેટ્રિક ટન ઓક્સિજન પોલીસ પાયલોટિંગ સાથે બુધવારે પાલનપુર લાવવામાં આવ્યો હતો. જ્યારે ઓક્સિજનની ગાડી પાલનપુર પહોંચી તે પહેલાંથી જ ગોડાઉન બહાર ઓક્સિજનના બાટલા મેળવવા લાઈનો લાગી ગઈ હતી. હાલમાં જે કોવિડ સ્ટ્રેઇન ફેલાયો છે તેની અસરો ગંભીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.