ખાનગી હોસ્પિ.માં કોરોનાના ૩ હજાર દર્દી સારવાર હેઠળ
અમદાવાદ: કોવિડ-૧૯ના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદીઓને કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. આ વાત થોડા દિવસો પહેલા આરોગ્ય સેતુ એપ્લિકેશનના ડેટા દ્વારા સામે આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાના દર્દીઓ માટે સરકારી-મ્યુનિસિપલ તેમજ ૭૪ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ૧,૪૭૫ બેડની વ્યવસ્થા કરી છે. જેમાં હાલ મહાનગરપાલિકાના અને ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ ક્વોટાના મળીને કુલ ૩,૦૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જે દર્શાવે છે કે, શહેરમાં કોરોનાના કેસ વધી ગયા છે.
શિયાળાની સીઝન, પ્રદૂષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક સહિતના નિયમોના ઉલ્લંઘનના કારણે કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પર છેલ્લી ઘડીએ બજારોમાં જે ભીડ ઉમટી રહી છે તેના દ્રશ્યો જોઈને આગામી દિવસોમાં કેસોમાં જબરદસ્ત ઉછાળો આવશે તેવી શક્યતા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે મ્યુનિસિપલની એસવીપી, એલજી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલો સહિતની હોસ્પિટલો કાર્યરત છે.
તદ્દઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી ૭૪ જેટલી ખાનગી હોસ્પિટલો સંપાદિત કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ૧,૪૭૫ બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે. જ્યાં મહાનગરપાલિકા દ્વારા રિફર કરાયેલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલોના પોતાના ૨૧૦૭ બેડ છે, જેમાં જે દર્દીઓ પોતાના ખર્ચે સારવાર કરાવવા માગતા હોય તેમને દાખલ કરવામાં આવે છે. આમ ખાનગી હોસ્પિટલોના કુલ ૩,૮૫૨ બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મ્યુનિસિપલ ક્વોટાના ૩૩૫ બેડ ખાલી છે અને ખાનગી હોસ્પિટલોના ક્વોટાના ૪૮૨ બેડ ખાલી છે. તેનો અર્થ એ છે કે, ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટાના ૧૪૭૫ બેડમાંથી ૧૪૧૦ બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને હોસ્પિટલના ક્વોટાના ૨૧૦૭ બેડમાંથી ૧૬૨૫ બેડ પર કોરોનાના દર્દીઓ છે.