ખાપ પંચાયતોને ઓનર કિલીંગ મામલે સુપ્રીમ કોર્ટે પણ ગેરકાયદે જાહેર કરી છે
ઓનર કિલિંગમાં કોઈ ‘ઓનર’ જ નથી
સુપ્રીમ કોર્ટે ર૮ માર્ચ, ર૦૧૮ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને ઓનર કિલિંગને અપરાધની શ્રેણીમાં રાખ્યું હતું, આ નિર્ણયમાં ખાપ પંચાયતોને ગેરકાયદે જાહેર કરાઈ હતી
ઓનર કિલિંગ એટલે કે ઈજ્જત માટે હત્યા. દેશભરમાં આ ઘટના બની રહી છે. આમ જાેવા જઈએ તો ઓનર કિલિંગમાં ઓનર જેવી કોઈ વાત જ નથી. હવે છોકરા-છોકરીઓ પોતાના જીવન સાથીની પસંદગી જાતે કરી રહ્યા છે. તેનો અર્થ કદાચ જૂના પુરાણા નિયમોને વિદાય આપવા જેવો છે. જાેકે આમ કરનારા લોકોને પરિવારના વિરોધનો સામનો કરવો પડે છે.
કોર્ટો, કેન્દ્ર સરકારો તથા રાજય સરકારો આવા યુવાનોની સહાયતા માટે આગળ આવે છે, છતાં આવી હત્યાઓ થતી રહે છે. એક બાજુ આજની યુવા પેઢી બદલાઈ રહી છે, પરંતુ કટ્ટરપંથીઓ અને રૂઢિચુસ્ત પરિવારોને આજે પણ તે બધુ પસંદ નથી.
હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ઓનર કિલિંગના સમાચારો આવતા રહે છે.
યુવકો અને યુવતીઓની હત્યાઓ થાય છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ઓનર કિલિંગનો કેસ સામે આવ્યો છે. છોકરા સાથે પ્રેમ લગ્ન કરનારી છોકરીના નારાજ પરિવારજનોએ યુવકની હત્યા કરી દીધી અને તે યુવતી આજે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. તેના બે દિવસ પહેલા કર્ણાટકમાં ઓનર કિલિંગનો નવો કેસ સામે આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ લગ્ન કરનાર યુવક યુવતી બંનેની હત્યા કરી દીધી.
કર્ણાટકમાં ઓનર કિલિંગના કેસમાં એક દંપતીના લગ્નના ચાર વર્ષ બાદ પત્થર મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી. આ કેસ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. તેમને પ્રેમ કરવાની સજા મોત મળી. લવ જેહાદને લઈને પણ વારંવાર બબાલ થતી જ રહે છે. તેના સાથે જાેડાયેલો છે ધર્મ પરિવર્તનનો મામલો. રાજય સરકારોએ ધર્મ પરિવર્તનને લઈને પણ સખત કાયદો બનાવ્યો છે.
આ વર્ષે એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આંતરજાતીય લગ્નો જ્ઞાતિઓ અને સમુદાયોની વચ્ચેના તણાવને ઘટાડશે. ઓનર કિલિંગની આ ધારણાનું પરિણામ એ છે કે કોઈ પણ વ્યક્તિ જેના કોઈ કૃત્યના કારણે જાે તેના ધર્મ કે સમુદાયનુ અપમાન થતું હોય તો કુળ કે સમુદાયની રક્ષા માટે તે વ્યક્તિની હત્યા કરી દેવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાે બાલિગ વ્યક્તિ પોતાની મરજીથી લગ્ન કરે છે તો કોઈપણ ત્રીજી વ્યક્તિ તેમાં દખલ ન કરી શકે. એક બાજુ આપણે દલિત, મુસ્લિમ ગઠબંધનની ચર્ચા કરીએ છીએ તો તે ચર્ચા માત્ર રાજકારણને ધ્યાનમાં રાખીને કરાય છે, પરંતુ વાસ્તવમાં જાતિગત ધારણાઓ સતત વધી રહી છે. મોટાભાગે ઓનર કિલિંગના કેસમાં ઉંચી અને નીચી જ્ઞાતિના લોકોના પ્રેમસંબંધો જાેવા મળે છે. આંતર ધાર્મિક સંબંધો પણ ઓનર કિલિંગનું એક મોટું કારણ છે.
ઓનર કિલિંગ માનવાધિકારોના ઉલ્લંઘનની સાથે સાથે અનુચ્છેદ ર૧ અનુસાર ગરિમા સાથે જીવવાના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે. તે દેશમાં સહાનુભૂતિ, પ્રેમ, કરુણા, સહનશીલતા જેવા ગુણોના અભાવને વધારવાનું કામ કરે છે. વિવિધ સમુદાયોની વચ્ચે રાષ્ટ્રીય એકતા, સહયોગ વગેરેની ધારણાને પ્રોત્સાહન આપવા માટે તે બાધારૂપ બને છે. ઓનર કિલિંગ વિકૃત સામાજિક માનસિકતાને પ્રોત્સાહન આપે છે, જે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.
દેશની ખાપ પંચાયતોએ ઓનર કિલિંગને જે રીતે સંરક્ષણ આપ્યું છે અને એવા એવા અપરાધ કર્યા છે જેનો સભ્ય સમાજ સ્વીકાર ન કરી શકે. એટલે જ સુપ્રીમ કોર્ટે ર૮ માર્ચ, ર૦૧૮ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને ઓનર કિલિંગને અપરાધની શ્રેણીમાં રાખ્યું હતું. આ નિર્ણયમાં ખાપ પંચાયતોને ગેરકાયદે જાહેર કરાઈ હતી કેમ કે કેસો સમાંતર ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવા લાગી હતી.
આંતરલગ્નોથી ઘણી વધુ સમસ્યા તો બીજા ધર્મમાં વિવાહોથી થાય છે. ક્યારેક બે લોકોના પ્રેમને સાંપ્રદાયિક રંગ પણ આપવામાં આવે છે. બે અલગ અલગ ધર્મના વયસ્ક લોકોને લગ્ન કરવાની ઈચ્છા હોય તો તેમના માતા પિતાએ તેમનો સાથ આપવો જાેઈએ. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષનું અનુમાન છે કે દુનિયામાં દર વર્ષે પાંચ હજાર જેટલી ઓનર કિલિંગની ઘટનાઓ બને છે. યાદ રાખો કે સન્માન માટે કોઈની હત્યા કરવામાં કોઈ જ સન્માન નથી.