ખારીકટ કેનાલની આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાંથી પસાર થતી ખારીકટ કેનાલની આસપાસ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બની રહી છે. કેનાલની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેથી મ્યુનિસિપલ શાસક પક્ષે આ અંગે ઝડપી કાર્યવાહી કરવા વહીવટી તંત્રને સુચના આપી છે.
શહેરના ત્રણ ઝોનમાંથી પસાર થતી અંદાજે ર૧ કિલોમીટર લંબાઈની ખારીકટ કેનાલને એશિયાની સૌથી મોટી ભુગર્ભ કચરાપેટી કહેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષ અગાઉ રૂા.ત્રણ કરોડના ખર્ચથી સેંકડો ટન કચરાનો નીકાલ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ પરિસ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે.
ખારીકટ કેનાલમાં કેમીકલ અને એસિડયુક્ત પાણી છોડવામાં આવી રહયા છે. ખારીકટ કેનાલની આસપાસના વિસ્તાર નીચાણવાળા હોવાથી ચોમાસાની સીઝનમાં પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બની જાય છે.
સુત્રોએ જણાવ્યા મુજબ ઉત્તરઝોનમાં નિકોલ અને ઠક્કરનગર વચ્ચેના પટ્ટામાં અનેક સોસાયટીઓ નીચાણમાં છે. જેમાં ગજાનંદ પાર્ક, નારાયણ પાર્ક, અમરદીપ અને પુષ્પક સોસાયટીમાં વરસાદી પાણી વધુ ભરાય છે. તંત્ર દ્વારા આ સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ ખારીકીટમાં કરવામાં આવે છે.
જયારે નરોડામાં વ્યાસવાડી અને જાેગણીમાતાના મંદીર વિસ્તારમાં સમ્પ બનાવવામાં આવ્યો છે. વરસાદી પાણીનો શમ્પમાંથી પમ્પીંગ કરીને કેનાલમાં લઈ જવામાં આવે છે. ઉત્તરઝોનમાં જ પાર્શ્વનાથ ટાઉનશીપ અને નવયુગ પમ્પીંગ સ્ટેશનની આજુબાજુમાં પણ વરસાદી પાણી ભરાય છે.
ઠક્કરનગરની નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે આઉટલેટ મુકવામાં આવ્યા છે. પૂર્વઝોનમાં ઓઢવ ફાયર બ્રિગેડ અને બાપા સીતારામ ચોકથી ગોપાલચોક સુધીના વિસ્તારમાં કેનાલ સમાંતર વરસાદી પાણી ભરાય છે. દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુરી સોસાયટીમાં કેનાલ પાસે ૧ર જેટલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાય છે.
જેના માટે અલગ સમ્પ બનાવવામાં આવ્યા છે. જયારે ગોરના કુવા પાસે સુવિધા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાય છે મ્યુનિ. વોટર સપ્લાય કમીટીમાં ખારીકીટ કેનાલની સમાંતર વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી તથા તેના નિકાલ માટે યોગ્ય આયોજન કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ કેચપીટ પર જે ઢાંકણા ફીટ કરવામાં આવે છે તેની ગુણવતા નબળી હોય છે તથા બે-ત્રણ દિવસમાં જ તુટી જતા હોવાની ફરીયાદો બહાર આવી છે તેથી આ ઢાંકણા જે તે વોર્ડમાં સપ્લાય થાય તે સમયે તેની ગુણવત્તાની ચકાસણી કરવા અને યોગ્ય રીતે ફીટીંગ કરવા માટે તમામ ઝોનના એડીશન ઈજનેરોને સુચના આપવામાં આવી છે.
શહેરમાં જે સ્થળે બ્રેકડાઉન કે ભુવા થયા હોય તેના રીપેરીંગ કામમાં ઝડપ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણી-ડ્રેનેજની લાઈન માટે આયોજન કરવામાં આવે તે માટે પણ તાકીદ કરવામાં આવી છે.
ચોમાસાની સીઝન દરમ્યાન ખોદકામ બંધ કરવામાં આવે છે પરંતુ ચોમાસા પહેલા જે સ્થળે ખોદકામ કરવામાં આવ્યા હોય તે સ્થળે રૂબરૂ જઈ ચકાસણી અને સેટલમેન્ટ યોગ્ય થયા છે કે કેમ? તેની ખાત્રી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.