Western Times News

Gujarati News

ખારીકટ કેનાલ ડેવલપમેન્ટનો લાભ નરોડા, ઠક્કરનગર, નિકોલ, અમરાઈવાડી અને વટવા વિધાનસભાને મળશે

રૂા.૯૦૦ કરોડના ખર્ચથી ૧ર.૮૩ કિ.મી. કેનાલ ડેવલપ થશે: અમદાવાદની સૌથી મોટી સ્ટ્રોમ લાઈન ખારીકટને સમાંતર બનશે

(દેવેન્દ્ર શાહ ધ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના ચાર ઝોનમાંથી પસાર થતી અંદાજે ર૧ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ કદાચ સૌથી મોટી કચરા પેટી બની ગઈ છે સાથે-સાથે કેનાલની આસપાસ વસતા રહીશો માટે પણ તે શિરદર્દ સમાન બની છે.

રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા એક દાયકામાં અનેક વખત ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ માટે જાહેરાતો કરી છે તથા કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી છે.

પરંતુ આ તમામ વચન-વાયદા “રાજકીય” સાબિત થયા છે વર્લ્ડ બેંક તરફથી મળનાર લોનના કારણે મનપા એ વધુ એક વખત ખારીકટ કેનાલ વિકાસ માટે જાહેરાત કરી છે. મ્યુનિ. કમિશ્નરે ડ્રાફટ બજેટમાં પણ રૂા.૯૦૦ કરોડના ખર્ચથી કેનાલ ડેવલપ કરવા જાહેરાત કરી છે.

ડ્રાફટ બજેટની જાહેરાત બાદ કેનાલ વિકાસ માટે બે ડીઝાઈન માટે ચર્ચા ચાલી રહી છે જે પૈકી એક ડીઝાઈન તૈયાર થઈ તેના પ્રેઝન્ટેશન પણ થઈ ગયા છે. જયારે બીજી ડીઝાઈન એકાદ મહીનામાં તૈયાર થશે. ત્યારબાદ ખારીકટ માટે અંતિમ નિર્ણય થશે અને કામ શરૂ થવાની શક્યતા રહેશે. કેનાલનું કામ પૂર્ણ થયા બાદ નરોડા સહિત પાંચ વિધાનસભાને તેનો લાભ મળશે.

અમદાવાદ શહેરમાંથી પસાર થતી ખારીકટ કેનાલ અંદાજે ૧૧૦ વર્ષ જુની છે જેનું નિર્માણ સિંચાઈના હેતુ માટે કરવામાં આવ્યુ હતું મુળભુત રીતે ખારીકટ કેનાલ કુદરતી ડ્રેઈન હતી. આ કેનાલનો કમાન્ડ વિસ્તાર ૧૦ર૦૦ હેકટર હતો. હાલમાં આ કેનાલનો સિંચાઈ વિસ્તાર પાંચ હજાર હેકટર ખરીફ પાક માટે અને રપ૦૦ હેકટર રવીપાક માટે રહે છે.

આ કેનાલને ફરીથી સિંચાઈ અને આજુબાજુ વિસ્તારના ફલડ માટે ૭૧.પ૮ ક્યુનેક્સ કેપેસીટી સાથે લાઈન્ડ કેનાલમાં પરિવર્તીત કરવામાં આવી હતી. કેનાલની બંને તરફ રહેણાંક અને કોમર્શીયલ પ્રકારના મોટાપાયે બાંધકામો થઈ ગયા છે. જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે.

તેથી ચોમાસાની સીઝનમાં આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બને છે. જયારે સિંચાઈના પ્રમાણમાં ઘટાડો થવાથી કેનાલ “કચરા પેટી”માં પરિવર્તીત થાય છે. રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશને કેનાલ ડેવલપ કરવા માટે દર વરસે વાયદા કર્યા છે પરંતુ નક્કર પરિણામ મળ્યા નથી પરંતુ ર૦રર-ર૩ના નાણાકીય વર્ષમાં કેનાલ ડેવલપ માટે કામ શરૂ થાય તેવી શક્યતા છે.

મ્યુનિ. ઈજનેર વિભાગ અને રાજય સરકારના સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખારીકટ માટે સતત બેઠકો કરીને તેના માટે ડીઝાઈન તૈયાર કરી છે. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રથમ ડીઝાઈન મુજબ નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેલાલ સુધી અંદાજે ૧ર.૮૩ કીલોમીટર લંબાઈમાં કેનાલ ડેવલપ કરવામાં આવશે.

કેનાલની પહોળાઈ ૪.૮ મીટર રહેશે જેમાં ર૦ ક્યુમેકસ પાણી કેપેસીટી રહેશે. કેનાલની બંને તરફ હાલ ત્રણથી ચાર મીટર પહોળાઈનો રોડ છે નવી ડીઝાઈન મુજબ રોડની પહોળાઈ ૯ થી ૧૦ મીટર રહેશે મતલબ કે બંને તરફ ૩૦-૩૦ ફુટના રોડ તૈયાર થશે.

કેનાલની બંને તરફના હયાત રોડની ઉંચાઈને એક-એક મીટર ઘટાડવામાં આવશે જેના કારણે રોડ અને આસપાસની સોસાયટીઓના લેવલ લગભગ સરખા થઈ જશે.

તદ્‌પરાંત વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિરાકરણ માટે કેનાલની બંને તરફ સ્ટ્રોમ વોટર લાઈન બનાવવામાં આવેશ જેની લંબાઈ પણ ૧ર.૮૪ કિલોમીટર રહેશે. અમદાવાદની સૌથી લાંબી સ્ટ્રોમ લાઈન ખારીકટ સમાંતર તૈયાર થશે જેની ડીસ્ચાર્જ ડીઝાઈન પ૦.૭ર ક્યુમેકસ રહેશે. ખારીકટ કેનાલનું કામ શરૂ થયા બાદ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે જેનો લાભ નરોડા, નિકોલ, ઠક્કરનગર, અમરાઈવાડી તથા વટવા વિધાનસભાને મળશે.

ખારીકટ કેનાલની હયાત પહોળાઈ (ઉપર તરફ) ૧૦ થી ૩પ મીટર છે જયારે બોટમ પહોળાઈ ૭ થી ૧ર મીટર છે. કેનાલનો ઉપયોગ ખરીફ અને રવિ સીઝન માટે થાય છે તેથી તબક્કાવાર કામ કરવા માટે લગભગ ત્રણ મહીના જેટલો સમય કેનાલનો પ્રવાહ બંધ કરવામાં આવશે તેમજ જી.આઈ.ડી.સી.ની મેગાલાઈન સહીતની યુટીલીટી શીફટીંગ કરવામાં આવશે.

કેનાલ અને સ્ટ્રોમ વોટર ડ્રેઈનનું બાંધકામ પૂર્ણ થયા બાદ રોડ તેમજ અન્ય યુટીલીટીના કામ કરવામાં આવશે. ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના જી.એ.ડી. ડીઝાઈન એપ્રુવલ, રાઈટ ઓફ વે ડીમાકેશન, રૂા.૪૦૦ કરોડની ગ્રાન્ટ તથા સંયુક્ત સુપરવીઝનના કામ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવશે.મ્યુનિ. કોર્પોરેશન રૂા.૧૦૦ કરોડનો ખર્ચ કરશે જયારે વર્લ્ડ બેંક લોનમાંથી રૂા.૪૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિ. કમિશ્નરનો પ્લાન-બી
મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે તૈયાર કરવામાં આવેલ ડીઝાઈન એ નું પ્રેઝેન્ટેશન કમિશ્નર સમક્ષ કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશ્નરે ડીઝાઈન- બી પણ તૈયાર કરવા સુચના આપી છે જેમાં ગોતા- ગોધાવી કેનાલના ધોરણે કેનાલના ભાગને બંને તરફના સર્વિસ રોડ સાથે સમથળ કરવામાં આવશે જેથી ટ્રાફિક અવરજવરની સરળતા રહે કેનાલની ઉપર ડબલ એ ગ્રેડના આરસીસી સ્લેબ તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોની અવર જવર પણ સરળતા પૂર્વક થઈ શકે છે. મ્યુનિ. કમિશ્નરે સુચવેલ ડીઝાઈન મુજબ કામ કરવામાં આવે તો ખારીકટ ડેવલપમેન્ટ માટે રૂા.૧૪૦૦ કરોડનો ખર્ચો થાય તેવો અંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.