ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં રૂ.240 કરોડનું કૌભાંડ : કોંગ્રેસ
પ્રોજેક્ટ માં ટેન્ડર શરત મુજબ કામ અને પેમેન્ટ થઈ રહયા છે કૌભાંડ ને અવકાશ નથી દેવાંગ દાની
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ત્રણ ઝોનમાંથી પસાર થતી અને એક સમયે જેને એશિયા ની સૌથી મોટી કચરાપેટી કહેવામાં આવતી હતી તે ખારીકટ કેનાલની રાજ્ય સરકારના સહયોગથી રૂ.1250 કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવી રહી છે જેના કામમાં મ્યુનિ. અધિકારીઓ ઘ્વારા રૂ.240 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ ઘ્વારા કરવામાં આવ્યા છે.જો કે, સત્તાધારી પાર્ટીએ કોંગ્રેસ ના આક્ષેપમાં કોઈ જ તથ્ય ના હોવાનું જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલને ડેવલપ કરવા માટે ના કામોના ટેન્ડરની શરતો મુજબ દરેક પેકેજમાં પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ ૨.૬૦ મી – ૨.૬૦ મી.ની સાઈઝના ૨ નંગ કેનાલના પાણી માટે તેમજ કાસ્ટ ઇન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષ ૬.૦૦ મી – ૩.૩૦ મી.ની સાઇઝના ના ૨ નંગ વરસાદી પાણી માટે નાખવાનું નક્કી કરવામાં આવેલ હતાં
તે કામ કુલ પાંચ પેકેજમાં વહેંચીને તેના ટેન્ડરો મંજુર કરવામાં આવેલ હતાં. જેમાં નવાઈજનક બાબત એ છે કે, પેકેજ ૧ અને ૪ ના કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રા પ્રા.લી.દ્વારા પેકેજ ૧ માં તો બિલકુલ પ્રિકાસ્ટ આર.સી.સી. બોક્ષ નાખેલ નથી પેકેજ ૪ માં અમુક જ થોડા પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ નાખેલ છે અને માત્ર ડાયાફ્રામ આર.સી.સી. વોલ બનાવી અને તેની ઉપર આર.સી.સી. સ્લેબ ભરીને તેને ઢાંકવાનો હીન પ્રયાસ કરેલ છે
પેકેજ ૨ અને ૩ ના કોન્ટ્રાકટર રેલ વિકાસ નિગમ લી. પાસે અગાઉથી થોડા પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ હતાં જે તેને નાખેલ હતાં ત્યારે તેના ધ્યાનમાં કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રા પ્રા. લી. દ્વારા આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કામ થતું હોવાનું ધ્યાનમાં આવતાં તેને પણ પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ નાખવાનું બંધ કરી દીધેલ અને આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કામ કરી રહી છે
અને પેકેજ ૫ ના કોન્ટ્રાકટર કલથીયા એન્જી એન્ડ કન્ટ્રકશન લી. દ્વારા અન્ય કોન્ટ્રાકટર દ્વારા આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કરેલ કામો બાબતે શું થાય છે? શું નિર્ણય લેવાય છે ? તેની રાહમાં માત્ર રીટેઈનીગ વોલ બનાવીને કામ કરેલ છે આ સમગ્ર કૌભાંડ ની વિજિલન્સ તપાસ માટેની માંગણી કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાની એ કોંગ્રેસ ના આક્ષેપને રદિયો આપતા જણાવ્યું હતું કે ખારીકટ ના કામ દરમ્યાન ટેક્નિકલ રીતે જે પદ્ધતિ યોગ્ય હતી તે મુજબ પ્રિ-કાસ્ટ કે ડાયા ફ્રોમ વોલ બનાવવામાં આવ્યા છે જેના માટે નિષ્ણાતોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે.
તેમજ પેમેન્ટ પણ તે મુજબ જ ચુકવવામાં આવ્યા છે. ટેન્ડરમાં પણ આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી એકપણ રૂપિયા નું કૌભાંડ થયું નથી. ખારીકટ પ્રોજેક્ટ માં નિયમ મુજબ જ કામ અને પેમેન્ટ થઈ રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.