ખિસ્સામાં ફૂટીકોડી પણ નહોતી છતાં છગનભાઈની હ્રદય રોગની સારવાર નયો પૈસો ખરચ્યા વિના થઇ
ગરીબ પરિવારનું આરોગ્ય કવચ બનતું મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ
દાહોદમાં ચાની કીટલી ચલાવતા છગનભાઇની માથે હ્રદય રોગની આફત આવી પણ મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ઢાલ બની ઉભું રહ્યું
છગનભાઇના એક લાખથી પણ વધુની હ્રદય રોગની સારવારનો ખર્ચ રાજય સરકારે ઉઠાવ્યો
આલેખન : મહેન્દ્ર પરમાર
આપણે ચાની લારી ઉપર મિત્રો સાથે અકસર ચાની ચૂસકીઓ માણીએ છીએ પરંતુ તેઓની જિંદગીમાં કદી ડોકિયું કરતા નથી. સવાર થી સાંજ સુધી ચાની કીટલી ચલાવી તેઓ માત્ર ગુજરાન પૂરતું જ કમાઇ લેતા હોય છે. કોઇ મોટો ખર્ચો આવી પડે તો તેમના માટે મોટી મુસીબત ઊભી થાય છે. દાહોદના છગનભાઇ સંગાડીયા દાહોદ શહેરમાં છેલ્લા ૨૦ વર્ષથી ચા વેચીને ગુજરાન ચલાવે છે. પણ બચત એક રૂપિયાની પણ નહી. એવામાં અચાનક એક દિવસ હ્રદય રોગનો જીવલેણ હુમલો તેમના માટે મોટી મુસીબત બનીને આવ્યો.
છગનભાઇ દાહોદ શહેરના ગડી ફોર્ટ ખાતે ચાની કીટલી ચલાવે છે. આસપાસ સરકારી કચેરીઓ અને લોકોની અવરજવર હોય ગુજરાન પૂરતું તેઓ કમાઇ લેતા હતા. પંચાવન વર્ષના છગનભાઇને તેમના પત્ની સહિત સાત જણાનો પરિવાર છે. બાળકો મોટા થઇ ગયા હોય તેમના લગ્ન અને ઘરસંસાર વસાવવાની ચિંતા પણ સતાવતી હતી.
પરંતુ ચિંતાથી કોઇ સમસ્યાનો ઊકેલ નથી આવતો પરંતુ એક નવી સમસ્યા જરૂર સર્જાય જાય છે. છગનભાઇ સાથે પણ કંઇક એવું જ થયું. એક વખત મધ્યરાત્રીએ તેમને છાતીમાં સખત દુખાવો ઉપડયો. તેઓ દાહોદની રીધમ હોસ્પીટલમાં દાખલ થયા. પરંતુ રોગના ચોક્કસ નિદાન માટેના રીપોર્ટો કરાવાનો ખર્ચો જ છગનભાઇના પરિવારજનોને પોષાય તેઓ નહોતો ત્યાં મોઘીં સારવાર કેવી રીતે કરાવીશું તેની ચિંતા સ્વજનોને સતાવવા લાગી.
રીધમ હોસ્પીટલમાં રાજય સરકાર દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજનાઓનો લાભ અપાતો હોય આ માટેના હોસ્પીટલના વિભાગ દ્વારા છગનભાઇના પરિવારજનોને મુખ્યમંત્રી અમૃત્તમ યોજના વિશે માહિતગાર કરાયા અને આ યોજનાનો લાભ લેવા જણાવાયું. છગનભાઇ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે જીવનભર કોઇ બચત કરી શકયા નહોતા પરંતુ તેમણે મુખ્યમંત્રી અમૃત્તમ યોજના માટેનું કાર્ડ કઢાવ્યું હોય તેમના તમામ રિપોર્ટો, સારવાર-દવા વગેરેનો ખર્ચ રાજય સરકારે ઊઠાવ્યો. છગનભાઇના પરિવારજનો માટે આ એક મોટું સંકટ હતું પરંતુ તેમણે કોઇ આર્થિક સંકટનો સામનો કરવો પડયો નહી અને હોસ્પીટલમાં સઘન સારવાર મળતાં છગનભાઇને રજા મળી ગઇ.
છગનભાઇ પર આવી પડેલી મુસીબતમાં અણીના સમયે રાજય સરકારની મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાનો લાભ મળતા તેઓ વેળાસર તેમાંથી હેમખેમ બહાર આવી ગયા. છગનભાઇને સીત્તેર ટકાથી વધુ હાર્ટ બ્લોકેઝ હતું અને આ માટે મોટી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. એક લાખથી પણ વધુ રૂપિયાનો ખર્ચ તેમની સારવારમાં થયો હતો. પરંતુ છગનભાઇને એક રૂપીયો પણ ખર્ચવાની જરૂર પડી નહી. તમામ ખર્ચ રાજય સરકારે ઉઠાવ્યો હતો.
દાહોદના છગનભાઇ રાજય સરકારનો આભાર માનતા જણાવે છે કે, મારી પાસે બચતનો એક પણ રૂપીયો નહોતો પરંતુ મારી પાસે મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાનું કાર્ડ હતું છે. જે મારા જેવા સામાન્ય માણસ માટે મોટી મૂડી સમાન છે. મારી જીવલેણ બિમારીની નિ:શુલ્ક સારવાર કરી આપવા માટે હું રાજય સરકારને ધન્યવાદ આપું છું.