ખીચડી- કઢી ખવડાવવાના નામે પાલિકામાં કરોડોનું કૌભાંડ
સુરત: કોરોના સંક્રમણ થતાં જ અચાનક આવી પડેલા લોકડાઉનમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી. એવા સમયે શ્રમિકો અને ગરીબોને જમાડવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. લગભગ ૫૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન ગરીબોના પેટનો ખાડો બે ટંક ખીચડી-કઢી સહિતનું ખવડાવી પૂર્યો હતો. લગભગ ૩ કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. એનજીઓ દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી. જોકે હકીકત કંઈક જુદી જ આરટીઆઈમાં સામે આવી છે. સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાનાં બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાંનું સામે આવ્યું છે.
સેવાના નામે મેવા ખાનારી સંસ્થાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેની સામે પાલિકાના મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું છે કે કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે. લોકડાઉન દરમિયાન લાખો લોકોને જમવાનું ભગીરથ કાર્ય સુરતમાંથી થતું હતું. તમામ સંસ્થાઓ એના માટે કાર્ય કરતી હતી. જોકે અનલોકમાં આ સંસ્થાઓએ બિલ પાલિકામાં મૂકતાં નવો વિવાદ થયો છે. આરટીઆઈ દ્વારા લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી, એમાં પાલિકાએ ભોજન માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે.
આ સાથે અન્ય સંસ્થાઓને પણ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઉધના ઝોનની વિગતો ન આપવામાં આવી હોવાથી એમાં વધુ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આવી કેટલીક જશ ખાટનારી સંસ્થાઓએ અને તેમના કાર્યકર્તાઓએ પોતાની વાહવાહી કરતા ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં મૂક્યા હતા.
તેવામાં આ કહેવાતા સેવાભાવીઓ પાલિકાનું ફંડ લૂંટી ગયા કે પછી ચૂંટણી આડે થોડો સમય બચ્યો હોઈ આફતને અવસરમાં પલટવામાં આવી હોય અને કૌભાંડ આચરાયું હોય એવું પણ લાગી રહ્યું છે. લોકડાઉન દરમિયાન શ્રમિકોને આપવામા આવતા ભોજનમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ અંગે મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયે લાખો લોકોને ભોજન આપવાની જરૂરિયાત થઈ હતી. પાલિકાતંત્રએ સામાજિક સંસ્થા અને અન્ય સાથે મળીને કોઈ ભૂખ્યું ન સૂવે એની દરકાર રાખી હતી.