Western Times News

Gujarati News

ખેંચ આવતાં લગ્નના પાંચ દિવસ પહેલાં યુવતીનું મોત

અમદાવાદ: દીકરીના લગ્નનો ઉત્સાહ દરેક મા-બાપને હોય. કન્યાદાનનું મહત્વ જ અનેરું હોય છે. જે મા-બાપને કન્યાદાન કરવાની તક મળે તેઓ પોતાને નસીબદાર સમજે છે. પણ કહેવાય છે ને કે કુદરત આગળ કોઈનું કશું જ ચાલતું નથી. દીકરીના હાથ પીળા કરવાનો અવસર આંગણે આવીને ઊભો હતો ત્યાં કુદરતે ક્રૂર મજાક કરી. જે ઘરમાંથી કન્યા વિદાય થવાની હતી ત્યાં વહાલસોયી દીકરીની અર્થી ઉઠી.

પાંચ દિવસ બાદ દીકરીના લગ્ન થવાના હતા અને ખેંચ આવતાં તેનું મૃત્યુ થયું. ઉલ્લાસનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામે રહેતા સોની પરિવારની આ ઘટના છે. લગ્નની ખરીદી કરવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આખો દિવસ ખરીદી કર્યા બાદ મામાના ઘરે રોકાયા હતા. જ્યાં એકાએક યુવતીને ખેંચ આવતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી.

હોસ્પિટલમાં તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો, હલધરવાસ ખાતે રહેતા અશ્વિનભાઈ સોનીની દીકરી સૃષ્ટિએ બીફાર્મ સુધીનો અભ્યાસ કર્યો હતો. સૃષ્ટિના લગ્ન ૧૬મી ફેબ્રુઆરીના રોજ નક્કી થયા હતા. સૃષ્ટિ અને પરિવારના સભ્યો લગ્નની ખરીદી માટે ૯મી તારીખે અમદાવાદ આવ્યા હતા. ખરીદી પતાવ્યા બાદ તેઓ પોતાના કુટુંબી ભાઈના ઘરે રોકાયા હતા. એ વખતે સૃષ્ટિને એકાએક ખેંચ આવતાં પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા.

તેઓ સૃષ્ટિને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ તરફ હલધરવાસમાં બાકીના પરિવારજનો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. પરંતુ સૃષ્ટિના મોતના સમાચાર મળતાં ઉમંગનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. સૃષ્ટિના મૃત્યુના સમાચારથી આખા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

જે ઘરમાં લગ્નના ગીતો ગાવાના હતા ત્યાં મરસિયા સંભળાયા હતા. દીકરીને સાસરે વળાવાની તૈયારી કરતાં પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે સૃષ્ટિ આમ અણધારી વિદાય લઈ લેશે. સૃષ્ટિના નિધનથી પરિવાર ઊંડા શોકમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.