ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલના ધો.૬ થી ૮ના વર્ગો બંધ થતાં વાલીઓમાં રોષ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત ખેડબ્રહ્માની શેઠ કે .ટી.હાઈસ્કૂલમાં ચાલતા ધોરણ છ થી આઠ ના ગ્રાન્ટેડ વર્ગો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તારીખ ૮ -૭- ૨૪ ના રોજ પત્ર મોકલી રદ કરાતાં બાળકો ના વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ સમાચાર ખેડબ્રહ્મામાં પ્રસરતાં વાલીઓનો ટોળા કે.ટી. હાઈસ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને વાલીઓએ હોબાળો કર્યો હતો. તેમના મોઢે એક જ પ્રશ્ન હતો કે અન્ય સ્કૂલોમાં પણ વર્ગો ચાલુ થઈ ગયા છે અને બાળકોને ક્યાં ભણવા મૂકવા બાળકો અન્ય શાળાઓમાં જવા પણ તૈયાર નથી.કે.ટી. હાઈસ્કૂલના ૪૧૧ વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકોના ભવિષ્ય નું શું ?
જીલ્લા શિક્ષણાધિકારીએ ત્રણ જ દિવસની મહોલત આપી ૧૧ -૭- ૨૪ સુધીમાં બાળકોને આસપાસની સરકારી શાળામાં ધોરણ છ થી આઠમો પ્રવેશ કરાવી ૧૧ તારીખે સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવા જણાવાયું છે.
આજે બીજા દિવસે શાળાના વાલીઓએ કે .ટી. હાઈસ્કૂલમાં એકત્ર થઈ રેલી સ્વરૂપે તાલુકા પંચાયતમાં શિક્ષણ શાખામાં તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા ગયા હતા પણ તાલુકા શિક્ષણ અધિકારીએ ફોન પર હિંમતનગર જવા નીકળી ગયા તેવું જણાવતા તમામ વાલીઓએ ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર શ્રી ને લેખિતમાં જાણ કરી હતી.