ખેડામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, વડોદરાકાંડની શાહી સુકાય તે પહેલા વધારે મોટો કાંડ
ખેડા, ગુજરાતને જાણે કોઇની નજર લાગી હોય તેમ ગુજરાતમાં પણ હવે એક પણ દિકરી સુરક્ષીત નથી તેમ લાગી રહ્યું છે. વડોદરા કાંડની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ડાકોર નજીક આવેલા કંથરાઈ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠાસરાના કંથરાઈ ગામના સીમ વિસ્તારમાંથી ઝાડ પરથી લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવ્યો છે.
કાંથરાઇની બાજુના ગામ ભગવાનજીના મુવાડામાં યુવતી રહેતી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવતી રાત્રે ૮ વાગે પોતાના ઘરેથી બહાર નીકળી હતી.
જાે કે આજે સવારે ઝાડ ઉપર લટકતી હાલતમાં તેનો મૃતદેહ જ મળી આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, દિકરીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. પરિવારના કલ્પાંતથી નાનકડું ગામ પણ શોકસંતપ્ત બન્યું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમ વિસ્તારમાં કોઇ યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિક ગ્રામજનોએ સવારે પોલીસને જાણ કરી હતી. ઘટના અંગેની માહિતી મળતા જ ડાકોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને જાેતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જાે મેળવી ડાકોર રેફરલ હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ભગવાનજીના મુવાડાથી રાત્રે નીકળી કંઠરાઈ સીમ વિસ્તારમાં યુવતી કેવી રીતે પહોંચી તે અંગે ડાકોર પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત હત્યા છે કે, આત્મહત્યા તે મુદ્દે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.HS