ખેડામાં કિશોરીનું ગળું કાપી હત્યા કરનાર અંતે ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
ખેડા,ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બનેલી સુરતની હચમચાવી નાખનારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ આ પ્રકારની ઘટનાઓ રાજ્યના અન્ય ભાગોમાં પણ બની હતી. હવે ફરી એકવાર આવી જ એક ઘટના ખેડામાં બની છે કે જ્યાં એક છોકરીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે.
આ ઘટનામાં ૧૬ વર્ષની છોકરીનું મોત થઈ ગયું છે જ્યારે આરોપી શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ આ કૃત્ય કયા કારણોથી આચર્યું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરાઈ રહી છે. આરોપી વિકલાંગ હોવાની સાથે માનસિક રીતે અસ્થિર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગતો પ્રમાણે તારાપુર હાઈવે પર આવેલા ત્રાજ ગામમાં આ ઘટના બની છે કે જેમાં ૧૬ વર્ષની છોકરી કૃપા ઘરની બહાર નીકળી હતી અને જ્યારે પરત ફરી રહી હતી બસ સ્ટેન્ડ પાસે આવેલા પાર્લરમાં કોલ્ડડ્રિંક લેવા માટે ઉભી રહી હતી, આ દરમિયાન ગામના જ ૪૬ વર્ષના રાજુ નામના શખ્સે તેની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આરોપીએ સગીરાના ગળા પર ઘાતકી રીતે ચાકુ ફેરવી દીધા બાદ તેના હાથ પર પણ ઘા માર્યા હતા.
કૃપા સાથે બનેલી ઘટના જાેઈને તેની સાથે રહેલી તેની બહેનપણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટના સ્થળ પરથી લોકોએ હત્યારા રાજુને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલી કૃપાને સારવાર માટે ૧૦૮ની મદદથી ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ તેનો ઈલાજ શરુ થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.