ખેડામાં માસ્ક ન પહેરનાર તેમજ જાહેરમાં થુંકવા બાબતે અત્યાર સુધીમાં ૭૫,૦૫૦ નાગરિકો દંડાયા
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ કડક કાર્યવાહિ ખેડા જિલ્લામાં તા .૧૫ / ૦૬૨૦૨૦ થી તા .૩૧ / ૦૭ / ૨૦૨૦ સુધીમાં કુલ રૂ .૧,૫૦,૧૦,૦૦૦ ની રકમ દંડ પેટે વસુલાઇ….
ખેડા જિલ્લામાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે અને તેની સામે કાળજી રાખવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેળવો તેમજ એક બીજા વચ્ચે જરૂરી અંતર રાખવા માટે અવાર નવાર વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવેલ છે . આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકે છે . ખેડા જિલ્લામાં માસ્ક નહિ પહેરનારાઓને દંડ પણ થઇ રહયો છે .
જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યાનુસાર ખેડા જિલ્લામાં તા .૧૫ / ૦૬ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૭ / ૨૦૨૦ સુધીમાં કુલ ૭૫,૦૫૦ નાગરિકો પાસેથી દંડ પેટે રૂા .૧,૫૦,૧૦,૦૦૦ ની રકમ વસુલાઇ છે . જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચાવવા માસ્ક પહેરીને બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહયો છે . જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે .
આ માટે પ્રજાજનો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા દંડની કાર્યવાહિ પણ કરવામાં આવી રહી છે . આ માટે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા દંડની ખાસ ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી છે . જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક નહિ પહેરનાર તેમજ જાહેરમાં થુંકનાર નાગરિકોને પોલીસ દ્વારા દંડિત કરવામાં આવી રહયા છે .
જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશના કારણે નાગરિકો જાગૃત થવા લાગ્યા છે . જેના કારણે માસ્ક પહેરતા થાય છે અથવા તેઓ મોં ઢાંકીને વાયરસથી પોતાની જાતનો બચાવ કરવા લાગ્યા છે . ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે માસ્ક પહેરવું ફરજીયાત છે અને આ માટે જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવી રહયા છે .
આ કામગીરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે . જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ ખેડા જિલ્લાના નાગરીકોને જાહેર અપીલ કરી છે કે , સરકારી નિયમોનું ચૂસ્ત પણે પાલન કરો , માસ્ક પહેરો , બીન જરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો જેથી નાગરિકો પોતાનું અને તેમના કુટુંબનું આ મહામારીની સામે સરળતાથી રક્ષણ મેળવી શકે . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )