ખેડા જિલ્લાની સેવાલીયા ખાતેની મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડે છે !
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની મામલતદાર કચેરીમાં તાઃ-૧૫-૦૭-૨૦૧૯ ના સોમવારે સવારથી જ આધારકાર્ડની કામગીરી માટે અરજદારોએ લાઈનો લગાવી દીધી હતી. પોતાના ધધા ઉપર રજા મૂકીને આધારકાર્ડની કામગીરી માટે આવ્યા હતા અને સેવાલીયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ઓપરેટર ગેરહાજર રહેતા વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. આધારકાર્ડ કાઢી આપવાની કામગીરીથી પ્રજા અસંતુષ્ટ છે. આધારકાર્ડની કામગીરી બંધ રહેતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આધાર કાર્ડની કામગીરી બંધ રહેવાની હોઈ તેવી કોઈ નોટિસ કે સૂચના પણ રૂમની બહાર લગાવવામાં આવી ન હતી જેને લઈને પ્રજા વધુ હેરાન થઈ હતી. આ બાબતે કે.પી.રાવલ (ના.મા. મહેસુલ, ગળતેશ્વર મામલતદાર કચેરી)ને સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હા, ઓપરેટર નો ફોન આવ્યો હતો તે બીમાર છે એટલે આવ્યો નથી. કાલથી ચાલુ થઈ જશે. બીજી તરફ ચાલુ દિવસે સેવાલીયા મામલતદાર કચેરીમાં રોજ ફક્ત ૩૦ લોકોને જ આધારકાર્ડ કાઢી આપવા માટે ટોકન આપવામાં આવે છે. ત્યારે સૌથી વધુ તકલીફ તો બાળકોના આધાર કાર્ડ બનાવવામાં પડે છે.
એક તો આધાર કાર્ડ બનાવવા માટે બાળકોને સ્કૂલમાંથી રજા મૂકાવવી પડે. એમાંય તો એ દિવસે નંબર ન આવે તો બીજા દિવસે પાછી રજા પાડવાની. સંયુક્ત પરિવારમાં રહેતા હોવ તો ઠીક, નહીં તો બાળકને સાથે લઈને ધક્કા ખાવાના. ઘણી વાર તો એવા દ્રશ્યો જોવા મળે છે કે, માતા-પિતામાંથી કોઈ એક વહેલી સવારથી લાઈનમાં ઊભું રહે, જો ટોકન મળી જાય તો પછી જ્યારે નંબર આવવાનો થાય ત્યારે માતા-પિતામાંથી જે ઘરે હોય તે બાળકને લઈને આધાર સેન્ટર પર પહોંચે. આમ, એક બાળકનું આધાર કાર્ડ કઢાવવા ઘરના ત્રણ જણાએ હેરાન થવું પડે. પાંચ વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ માટે જે-તે સ્કૂલમાં જ વ્યવસ્થા કરવી જોઈએ.
વૃદ્ધ વ્યક્તિઓને તો આવા ધક્કા ખાવામાં કેટલી તકલીફ પડે તે સમજી શકાય તેવી બાબત છે. એટલે જ મોટાભાગના લોકો પોતાના પરિવારના વૃદ્ધ વ્યક્તિઓના આધાર કાર્ડ રૂપિયા આપીને કઢાવી લેવાનું જ યોગ્ય સમજે છે. પહેલા તો આધારકાર્ડ માટે ઠેર-ઠેર સેન્ટરો હતા. પણ, હવે સેન્ટરો મર્યાદિત થઈ ગયા છે અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઇ.ડી. એ.આઈ)એ પ્રાઈવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દીધા છે. હવે ચોક્કસ જગ્યાઓ પરથી જ આધાર કાર્ડ નીકળે છે. કેટલીક બેંકોમાં પણ આધાર કાર્ડ કાઢી આપવા માટે સેન્ટર ફાળવાયા છે. તેમાંય પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર કાર્ડ બનાવવું હોય તો લિમિટેડ સેન્ટરો પર જ નીકળે છે.
આ સ્થિતિનો કેટલાક લોકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. આધાર કાર્ડ આજે એક ખૂબ જરૂરી દસ્તાવેજ થઈ ગયું છે, ત્યારે લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી નાની-નાની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તે જરૂરી છે. જો, કોઈને આધાર સેન્ટર અંગે કોઈ ફરિયાદ કરવી હોય તો કોને કરવાની તેની માહિતી પણ જે-તે આધાર સેન્ટર પર ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો, યુ.આઇ.ડી.આઈ આવા નાના-નાના પગલાં લેશે તો પણ લોકોને ઘણી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.*