ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત અને પ્રસ્થાન કાર્યક્રમ
લોકોમાં આઝાદી મહોત્સવનો અનેરો ઉત્સાહ
નડીયાદ, આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદથી આરંભાયેલી દાંડીયાત્રા ખેડા જિલ્લામાં આવી પહોંચતા ગ્રામજનો, નગરજનો, અગ્રણીઓ દ્વારા સુતરની આંટી પહેરાવી ઢોલ-નગારા સાથે ઉત્સવના માહોલમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એક ગામથી બીજા ગામમાં આગમન પ્રસ્થાનના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજે દાંડીયાત્રા ખેડા જિલ્લામાં નવાગામથી પ્રસ્થાન કરી ભેરાઇ થઇ ગોવિંદપુરા પહોંચી હતી ત્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રસ્તાના અન્ય ગામોમાં થઇને નદિ પાર કરીને માતર પહોંચી હતી.
દાંડી યાત્રાનું નવાગામ ખાતેથી સવારે મત્સય અને ડેરી ઉદ્યોગના કેન્દ્રીય મંત્રીશ્રી ગિરિરાજસિંહ તથા ટુરીઝમ મંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વંદે માતરમ, ભારત માતા કી જય અને મહાત્મા ગાંધી અમર રહોના નાદથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
મંત્રીશ્રીની આગેવાની હેઠળ આજે નવાગામથી દાંડીયાત્રામાં દાંડી યાત્રિકો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. દાંડીયાત્રાએ નવાગામથી ડી.જે, ઢોલ-નગારા સાથે પ્રસ્થાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ગિરીરાજસિંહે જણાવ્યું હતું કે, દાંડીયાત્રામાં ચાલવાની તાકાત તો નથી,
પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રાના પદચિન્હો પર નમન કરતા કરતા અમો આગળ વધી રહ્યા છીએ. આજે અમને ખૂબ જ આનંદ અને હર્ષ છે કે, આ ઐતિહાસિક દાંડી યાત્રામાં અમે ભાગીદાર થઈ શક્યા ન હતા, પરંતુ આજે આ યાત્રાના અમૃત મહોત્સવમાં અમને લાભ લેવાની તક મળી છે તે બદલ અમો ધન્યતા અનુભવીએ છીએ.
કેન્દ્રીય ટુરીઝમ મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલના અને આજના દાંડીયાત્રાના અનુભવ પરથી એમ કહી શકાય કે, આઝાદી મળ્યા પછી પણ જો દેશભક્તિ માટે આટલો બધો ઉત્સાહ હોય તો, જ્યારે ખરેખર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા યોજી હતી
તે વખતે દેશભક્તિનો કેવો અદ્ભુત માહોલ હશે તે કલ્પના બહારની વાત છે. આજે અમને આ યાત્રામાં જોડાતા ખરેખર આનંદ થાય છે કે, આ યાત્રામાં ગુજરાત ઉપરાંત અન્ય ૧૪ રાજ્યના યાત્રિકો પણ જોડાયા છે. કેટલાક લોકો એવા પણ છે કે, જેમના વડીલો ૧૯૩૦ની દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે સ્વાવલંબન થકી સ્વતંત્રતા ગર્વભેર માની શકાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દાંડી યાત્રાની સાથે સાથે સ્વાવલંબન અને સ્વચ્છતા પર પણ ખાસ ભાર મૂક્યો છે.
દાંડીયાત્રાનું રસ્તામાં આવતા ભેરાઈ, ગોવિંદપુરા અને માતર ગામ ખાતે ગ્રામજનોએ હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેડા જિલ્લાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ પણ નવાગામથી આ યાત્રામાં જોડાયા હતા. તેઓશ્રી એ જણાવ્યું હતું કે, આજના નવયુવાનોને દેશભક્તિ અને આઝાદી શું? અને કેવા કેવા બલિદાનો પછી આપણને આઝાદી મળી છે તેનો પરિચય કરાવતી આ દાંડીયાત્રા ખરેખર તેમના જીવનમાં ગાંધી જીવન મૂલ્યોના આદર્શોને અનુસરવા પ્રેરશે.
આ યાત્રામાં ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી પણ જોડાયા હતા ગ્રામજનોએ યાત્રિકો પર પુષ્પવર્ષા કરી હતી. જ્યારે ગામની બાળાઓએ કળશ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી આઈ.કે પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગ્રામજનો શાળા કોલેજોના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.