Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં બે વર્ષમાં ૪૦૩ તળાવો ૪૧.૬૩ લાખના ખર્ચે ઊંડા કરાયાં

File Photo

વિધાનસભાની સાથે સાથે…
અમદાવાદ,  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો પર પૂછાયેલા પ્રશ્નો બાદ સંબંધિત વિભાગોના મંત્રીઓ દ્વારા પુરતી માહિતી આપવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.

કેપિટલ સહાય યોજના હેઠળ ઉદ્યોગોનો પ્રોત્સાહન
વિધાનસભા ગૃહમાં કેપિટલ સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતું કે વિકાસને ખરા અર્થમાં સાકાર કરતી રાજ્ય સરકાર ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અન્વયે કેપિટલ સહાય યોજના હેઠળ રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર એમએસએમઇ એકમોને કેપિટલ સહાય યોજના દ્વારા મદદ કરી રહી છે, જેના થકી રાજ્યમાં ઘણા નાગરિકોને રોજગારી મળી છે તથા નાના ઉદ્યોગોને આધુનિકરણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. મંત્રી પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે કેપિટલ સહાય યોજના હેઠળ તા.૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં વડોદરા જિલ્લામાં ૪૧૬ અરજીઓ મંજૂર કરી ૨,૪૩૭.૬૧ લાખની સહાય ચૂકવાઇ છે.

સેવાસેતુ હેઠળ અરજીઓનો સ્થળ પર નિકાલ
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લોકોને ઘરઆંગણે જ ૫૭ જેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વર્ષ ૨૦૧૬થી સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ કુલ ૫ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૧,૯૬,૬૬,૧૪૦ અરજીઓ આવી છે. તે પૈકી ૧,૯૬,૩૮,૧૦૩નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે એટલે કે ૯૯.૮૫ ટકા અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગારીયાધરના ધારાસભ્ય કેશુ નાકરાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં શહેરી વિસ્તારમાં સેવાસેતુ હેઠળ કુલ-૭ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જળસંચય ક્ષમતા વધારવા સરકાર કટિબદ્ધ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંચય ક્ષમતા વધે એ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું છે. જેને રાજ્યમાં વ્યાપાક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જનભાગીદારી થકી યોજાતા આ કાર્યક્રમમાં ઉનાળામાં તળાવો ઊંડા કરવાથી માંડીને કાંપની સફાઈ, ચેકડેમોનું ડિસિલિંગ જેવા કામો હાથ ધરાય છે. જેના લીધે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન થયું છે.

વિધાનસભા ખાતે ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં તળાવો ઊંડા કરવા અને નવા તળાવો બનાવવા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, રાજયના ઈતિહાસમાં જળ અભિયાનના જન આંદોલનનું નવું સફળ પ્રકરણ આ અભિયાનથી યોજાયું છે. બે વર્ષમાં આ અભિયાન થકી જળસંચય ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ રોજગારી પણ મળી છે. ખેડા જિલ્લામાં બે વર્ષમાં ૪૦૩ તળાવો ૪૧.૬૩ લાખના ખર્ચે ઊંડા કરાયાં છે. એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન જળસંપત્તિ ભાગ દ્વારા ૨૫૩ તળાવો ૨૭૨.૨૭ લાખના ખર્ચે ઊંડા કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.