ખેડા જિલ્લામા શ્રી સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા “હું પણ કોરોના વોરીયર્સ”નો ગામે ગામ પ્રચાર
નડિયાદ-શનિવાર-સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારી સામે લડી રહયું છે. આ મહામારીની લડાઇમાં ગુજરાત પણ સામેલ છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ લડાઇમાં દરેક નાગરીક જોડાઇ, પ્રજામા રોગ સામે જાગૃતિ કેળવાય અને સરકારના નિયમોનું પાલન કરે તે માટે “હું પણ કોરોના વોરીયર્સ”નું સુત્ર આપ્યું છે.
હું પણ કોરોના વોરીયર્સની મદદથી વ્યકિત પોતે તે આ નિયમોનું પાલન કરે છે પરંતુ સાથે સાથે તેના સંપર્કમાં આવતા તમામ નાગરિકોને પણ તેનું પાલન કરવા જણાવે છે. વ્યકિત પોતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવશે, માસ્ક પહેરશે, સીનીયર સીટીઝન અને નાના બાળકોને બિન જરૂરી ઘરની બહાર જતા રોકશે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવાની પ્રેરણા પણ પુરી પાડશે. આ નિયમોનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાશે.
આજે ખેડા જિલ્લાના શ્રી સ્વામી વિવેકાનંદ યુથ મંડળના સંયોજક શ્રી પ્રણવભાઇ સાગરની આગેવાની હેઠળ જિલ્લાના ૫૦૦ થી વધુ ગામડાઓમાં જાહેર સ્થળે મંડળના સદસ્યો દ્વારા જે તે ગામના પંચાયત ઘર, દૂધ મંડળી, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો ઉપર કોરોના વાયરસનો સામનો કેવી રીતે કરવો, તેનાથી કેવી રીતે બચી શકાય અને કઇ કઇ બાબતોની કાળજી લેવી જોઇએ તેની સમજણ ગ્રામજનોને આપવામાં આવી હતી. આમ, આજે આ મંડળના સદસ્યો દ્વારા લોક સંપર્ક દ્વારા આ રોગ અંગેની જાણકારી માટે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો.