ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના હસ્તે રોપાઓનું વિતરણ કરાયું ચાલુ સાલે ૭૫ જેટલી નર્સરીઓમાંથી ૩૬ લાખ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/08-5-scaled.jpg)
ગુજરાત રાજયમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . ખેડા જિલ્લામાં પણ ૭૧ મા વન મહોત્સવની સામાજીક વનીકરણ વિભાગ , નડિયાદ દ્વારા જિલ્લા કક્ષાએ , તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવનાર છે . વન મહોત્સવની ઉજવણી અગાઉ આજે કમળા સો મીલ એસોશીએશન અને જિલ્લા વન વિભાગ દ્વારા રોપાઓના વિતરણનો શુભારંભ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના હસ્તે આવ્યો હતો . આ પ્રસંગે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે , પર્યાવરણનો હેતુ જળવાઇ રહે તે માટે દર વર્ષે વન વિભાગ અને નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવે છે .
ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ૭૫ જેટલી નર્સરીમાં ૩ ૬ લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે . આ રોપાઓનો ઉછેર જિલ્લાના ખેડૂત મિત્રો , વિવિધ સંસ્થાઓ , સ્કૂલ તેમજ કેમ્પસમાં કરવામાં આવનાર છે . જેથી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાય અને જિલ્લામાં ગ્રીનરી વધે . વન મહોત્સવની કામગીરી દરમ્યાન જુદી – જુદી ખાતાકીય નર્સરીઓમાં તથા વ્યકિતગત લાભાર્થીઓની નર્સરીમાં ( ડી.સી.પી. નર્સરી / એસ.એચ.જી.નર્સરી , જુદી – જુદી પોલીથીન બેગ સાઇઝમાં સ્થાનિક લોકોની જરૂરીયાત મુજબના જુદી જુદી જાતના રોપાઓ ઉછેરવામાં આવે છે . જેમાં સરકારના ધારાધોરણ મુજબ મુલ્યથી તેમજ વિના મુલ્ય રોપાઓનું વિતરણ કરવામાં આવે છે .
ચાલુ સાલે ખાતાકીય વન મહોત્સવ હેઠળ ૨૪.૮૦ લાખ તેમજ વ્યકિતગત લાભાર્થીને યોજના હેઠળ ડી.સી.પી. નર્સરી તેમજ એસ.એચ.જી ગૃપ નર્સરીમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે . નર્સરીઓમાં પર આંબા , આમળા , અરડુસા , અર્જુનસાદડ , આસોપાલવ , બીલી , બોરસલ્લી , દેશીબાવળ , જાંબુ , કણજી , કોઠી , નીલગીરી , પેલ્ટોફોમ , રેઇન ટ્રી , સાદડ , સરગવો , સીતાફળ , સેવન , વાંસ , પલપલીયા , ઉમરો , તુલસી સુશોભન અંગેના ફુલછોડ તેમજ વિવિધ જાતના સ્થાનીક જરૂરીયાત મુજબના રોપાઓનો તેમજ આર્યુવેદીક રોપાઓનો ઉછેર કરવામાં આવે છે .
ચાલુ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ફેલાયેલ રોગચાળા સામે લોકોની રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી વન વિભાગ દ્વારા તુલસીના ૩.૫૦ લાખ જેટલા રોપાઓનું પણ વિતરણ કરવામાં આવનાર છે . આ રોપાઓનું શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષરથ દ્વારા પણ રોપાઓનું વિના મુલ્ય વિતરણ કરવામાં આવે છે . વન વિભાગ દ્વારા લોકોને વૃક્ષ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ આર્થિક રીતે પગભર થઇ શકે તે હેતુથી વ્યકિતગત લાભાર્થી યોજના હેઠળ નર્સરીઓની ફાળવણી કરી રોપાઓ ઉછેરવામાં આવે છે .
આવી કુલ ૬૦ નર્સરીઓમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે . જેનું જે તે લાભાર્થી દ્વારા તેમની કક્ષાએ રોપ વિતરણ કરવામાં આવનાર છે . નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા છ કેન્દ્રો પરથી દર વર્ષે લગભગ બે લાખ જેટલા રોપાઓનું વિના મુલ્ય વિતરણ કરવામાં આવે છે . નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી વિના મૂલ્ય રોપાઓના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે .
છેલ્લા કેટલાક વર્ષોથી એગ્રો ફોરેસ્ટ્રી તેમજ ફાર્મ ફોરેસ્ટ્રીનો અભિગમ વધ્યો છે . આપણા ખેડા જિલ્લામાં પ્રતિ હેકટરે ૫૦ થી વધુ વૃક્ષો આવેલા છે . આ કાર્યક્રમમાં જિલ્લા વન અધિકારી ડી.ટી.કરુપ્યાસામી , નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા , મદદનીશ વન સંરક્ષક એન.એસ.પટેલ , આર.એફ.ઓ. , નડિયાદ સો મીલ એસોશીએશનના પરષોત્તમભાઇ દાસ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )