ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ દ્વારા પાણી સમિતિઓ માટે એકદિવસીય કાર્ય શિબિર યોજાઇ
નડિયાદ :બુધવાર-વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ કાર્યાન્વિત છે. લોકભાગીદારી આધારિત ગામની પીવાના પાણીની સક્ષમ યોજના બને તે માટે ગ્રામ પંચાયત/પાણી સમિતિની અસરકારક ભુમિકા રહેલી છે.
ખેડા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કાર્યશાળા કલેકટરશ્રી ગાર્ગી જૈનનાં અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. કલેકટર શ્રી ગાર્ગી જૈનએ જણાવ્યું હતું કે, જળ એ જ જીવન છે. પાણીનો કરકસરથી ઉપયોગ કરવો જોઇએ. પાણી સમિતિઓ દ્વારા યોગ્ય અને સંતોષકારક વહિવટ દ્વારા ગ્રામ પંચાયતોને આર્થિક સધ્ધરતા મળે છે. જેના નાણાં ગામના વિકાસમાં વાપરી શકાય છે.
ખેડા જિલ્લામાં લોકભાગીદારીવાળા ૬૩ ગામોની પાણી પુરવઠા યોજનાઓ અંદાજે રૂા.૧૨.૯૮ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. આ પાણી પુરવઠા યોજનાઓની પાણી સમિતિઓને મરામત અને નિભાવણીના સમજણ અને માર્ગદર્શન માટે જિલ્લા પંચાયત સભા ખંડમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૬૩ ગામોના ૧૦૨ જેટલા સરપંચ તથા તલાટી મંત્રીઓને પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણી માટે રૂા.૧૨૯.૮૦ લાખની પ્રોત્સાહન રકમની ફાળવણી કરવામાં આવી હતી. મરામત અને નિભવણી અંગે વિગતવાર સમજ તથા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એસ. ડાંગી, યુનિટ મેનેજર વાસ્મો, સરપંચો, તલાટીઓ અને પાણી સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.