Western Times News

Gujarati News

ખેડા જિલ્‍લાના કૃષિ સાહસિકનો ઉજળો પ્રયોગઃ કાળા ચોખાની ઉત્તમ સદગુણી અને પૌષ્‍ટીક ખેતી

રાજ્યમાં સૌ પ્રથમવાર સાંખેજના એન્‍જીનીયર યુવાને કરી કાળા ચોખાની સફળ ઓર્ગેનીક ખેતી

ત્રણ વીઘામાંથી ૧૫૦ મણ ઉત્‍પાદન મેળવ્‍યુઃ બ્લેક રાઇસ કિલોના રૂા. ૩૦૦ થી ૭૦૦ ના ભાવે વેચાય છે

ચરોતરમાં  બ્લેક રાઇસની ખેતીની વિપુલ પ્રમાણમાં શક્યતાઓ

નડિયાદ: ખેડા જિલ્‍લાના સાંખેજના યુવાન મીકેનીકલ એન્‍જીનીયર શિવમ પટેલે કાળા ચોખાની ઉત્તમ સદગુણી અને પૌષ્‍ટીક ખેતી કરી કૃ્ષિ સાહસિકનો સમગ્ર રાજ્યમાં ઉજળો પ્રયોગ કર્યો છે. સાંખેજમાં રહેતા શિવમ પટેલે રાજ્યમાં સૌ પ્રથમવાર બ્લેક રાઇસ એટલે કે કાળા ચોખાની સફળ ઓર્ગેનીક ખેતી કરી છે. ત્રિપુરા અને મિઝોરમ સહિત ઉત્તર પૂર્વમાં થતો આ પાક હવે ગુજરાતમાં પણ જોવા મળશે.

અવનવા પ્રયોગો કરવાનું તેમજ ખેડૂત પરિવારમાંથી આવતા શિવમે બ્લેક રાઇસની ખેતી અંગે જરૂરી હવામાન સહિતની જાણકારી અને માર્ગદર્શન ઇન્‍ટરનેટના માધ્‍યમથી મેળવી બ્લેક રાઇસની ખેતી કરવાનું નક્કી કરી ત્રિપુરાથી ૧૫ કિલો બિયારણ મંગાવ્‍યું હતું. શિવમ પટેલે પોતાની ત્રણ વીઘા જમીનમાં બ્લેક રાઇસની ખેતી કરી ૧૫૦ મણ જેટલું ઉત્‍પાદન મેળવ્‍યું છે.

શિવમે જણાવ્‍યું કે હાલમાં ડાંગરનું પ્રોસેસીંગ ચાલુ છે. પ્રોસેસીંગ બાદ કસ્‍તર જતાં એક હજાર કિલો જેટલા બ્લેક રાઇસનું ચોખ્‍ખું ઉત્‍પાદન મળશે. જેનો ચોખાની ગુણવત્તાના આધારે રૂા. ૩૦૦ થી ૭૦૦/- કિલોદીઠ ભાવ મળે છે. તેઓ બ્લેક રાઇસનું પોતાની આગવી બ્રાન્‍ડથી ઓનલાઇન વેચાણ કરશે. બ્લેક રાઇસનો તેમને કિલોદીઠ અંદાજે રૂા. ૩૦૦/- જેટલો ભાવ મળી રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

શિવમે જણાવ્‍યું કે બ્લેક રાઇસમાં વધુ માત્રામાં એન્‍ટી ઓકસીડન્‍ટ મળી રહે છે. બ્લેક રાઇસ વજન ઓછું કરવા તેમજ લીવર, કેન્‍સર અને હ્યદયની બિમારી માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્લેક રાઇસનું સેવન કરવાથી શરીરને બિમારીઓ સામે રક્ષણ મળે છે.  ડાયાબીટીસ તેમજ ડાયટમાં લાભ કારક એવા કાળા ચોખાની બજારમાં સારી એવી માંગ પણ છે.

શિવમે વર્ષ ૨૦૧૭ માં અમેરિકન કેસરની બે વીઘામાં નૂતન ખેતી કરી રૂા. સાડા ત્રણ લાખની આવક મેળવી હતી.  નવાગામ ચોખા સંશોધન કેન્‍દ્રના સીનીયર રાઇસ ફીડર ર્ડા. ડી.બી.પ્રજાપતિ તેમજ આત્‍મના પ્રોજેક્ટ નિયામકશ્રી પી.આર.દવે તેઓના ફાર્મની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેઓના જણાવ્‍યા મુજબ ચરોતરમાં બ્લેક રાઇસની ખેતીની વિપુલ પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ચરોતરના ખેડૂતો બ્લેક રાઇસની ખેતી તરફ વળે તો ખેતીની આવક બમણી થવા સાથે ખેડૂતો માટે અર્થિક સમૃધ્ધિના દ્વાર ખુલવાની ભરપૂર શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.