ખેડા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા કલેકટરશ્રી કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને સરકારશ્રીના નિયમો અને કાયદા પ્રમાણે કામ કરી પ્રજાના પ્રશ્નોને હલ કરવાની દિશામાં કામ કરવા કલેકટરશ્રી બચાણીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જન્મ તારીખના દાખલા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ, અપંગતા સહાય, બીપીએલ કાર્ડ મેળવવા, અંધત્વ સહાય મેળવવા, જમીનની માલિકી અંગેના, એસ.ટી. બસના રૂટ, ઘરથાળના પ્લોટ તથા જમીન સર્વે – માપણી કરવાને લગતા પ્રશ્નો સહિત કુલ – ૧૪ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ થયા હતા.
જેમાં બે અરજદાર હાજર રહ્યા ન હોઇ ૧૨ પ્રશ્નોનો ઉપસ્થિત અધિકારીશ્રીઓએ અરજદારોને હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, મામલતદારશ્રી, તાલુકાના અધિકારીશ્રીઓ તથા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.