Western Times News

Gujarati News

ખેડુતોને લાભ લેવાની મુદત ૧૪મી જાન્યુઆરી સુધી વધી

File

અમદાવાદ: ગુજરાતમાં હાલમાં પડેલા કમોસમી વરસાદથી ખેડુતોને થયેલા નુકસાન સંદર્ભે જાહેર કરાયેલા ૩૭૯૫ કરોડ રૂપિયાના પેકેજનો લાભ લેવાની મુદત ૧૪મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી લંબાવી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આજે આ અંગેની જાહેરાત કરી હતી. બાકી રહી જતા ખેડુતોએ આ પેકેજનો મહત્તમ લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અત્યાર સુધીમાં ૮.૨૮ લાખ ખેડુતોને ૬૧૭.૯૨ કરોડ રૂપિયાની રકમ તેમના ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવી ચુકી છે. સમયસર ઓનલાઈન અરજી કરી પેકેજનો લાભ લેવા સરકારે અપીલ કરી છે. ૩૦.૨૮ લાખ જેટલા ખેડુતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી ચુકી છે. જે પૈકી ૮.૨૮ લાખ ખેડુતોને નાણાની ચુકવણી કરવામાં આવી ચુકી છે.


નાણા વિભાગ દ્વારા સંબંધિત જિલ્લા કલેક્ટરોને નાણાની ફાળવણી કરી દેવામાં આવી છે. નીતિન પટેલના કહેવા મુજબ ૩૩ જિલ્લાના ૨૪૮ ગ્રામ્ય તાલુકાઓના અંદાજિત ૧૮૩૭૯ ગામોના અંદાજિત ૫૬.૩૬ લાખ ખેડુત ખાતેદારોને ૩૭૯૫ કરોડનુ પેકેજ મંજુર કરવામાં આવ્યું છે. સહાય પેકેજમાં એસડીઆરએફ હેઠળ ૨૧૫૪ કરોડ અને રાજ્યના બજેટથી ૧૬૪૧ કરોડ ચુકવાશે. રાજય સરકારે ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટેની ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કરવાની બહુ મહત્વની જાહેરાત કરી હતી.

જેના કારણે હવે રાજયના ખેડૂતો તેમને કમોસમી વરસાદ, માવઠાંને લઇ થયેલા પાક નુકસાની મુદ્દે સહાય કે વળતર મેળવવા માટે તા.૧૪મી જાન્યુઆરી સુધી પોતાની ઓનલાઇન અરજીઓ કરી શકશે. રાજયમાં ખેડૂતોની લાગણીને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.

આમ ખેડૂતો હવે તા.૧૪ જાન્યુઆરી સુધી સરકારી સહાય કે વળતર માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગોધરા, વેરાવળ, ખંભાળિયા, બોટાદ, મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે સાથે હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી ૩૦૦ બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ રૂ. ૧૫૦૦ કરોડનો ખર્ચ થશે. જેમાં રાજય સરકાર ૪૦ ટકા તો, કેન્દ્ર સરકાર ૬૦ ટકા ખર્ચ ભોગવશે. સરકારે નવા વર્ષની શરૂઆત સાથે જ આ નવી મહત્વની જાહેરાતો કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.