ખેડૂતના નામે લોન મંજૂર કરાવી નાણાં ઉપાડી લીધાની રાવ
જેના નામે લોન લીધી હતી તેનું અવસાન થતાં પુત્રએ ફરિયાદ નોંધાવી
નડીયાદ, મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે એક ખેડૂતની સાથે છેતરપિંડી થવાની ઘટના નોંધાઈ છે. લોન માટે જે વ્યક્તિને કામગીરી સોંપવામાં આવી હતી. તે જ વ્યક્તિ દ્વરા ચેકનો ખોટી રીતે ઉપયોગ કરીને લોનના નાણાં બારોબાર ઉપાડી લીધા હતા જેના નામે લોન લીધી હતી તે ખેડૂતનું મોત થયા તેમના પુત્ર દ્વારા બેંકના જવાબદાર અધિકારીઓ સહિત બે વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદ તાલુકાના રણસોલી ગામે રહેતા ૪પ વર્ષીય રમેશભાઈ આતાભાઈ પરમારના પિતા આતાભાઈ પૂજાભાઈ પરમાર વર્ષ ર૦રરમાં એપ્રિલ માસમાં અવસાન પામ્યા હતા. આ આતાભાઈની માલિકીની જમીન જેનો ખાતા નંબર ૮૮૪ બ્લોક સર્વે નંબર પ૬૩ ક્ષેત્રફળ હે.આર.એ. ર-૦૧-૧૪ ચો.મી.વાળી જમીન પોતાના સણસોલી ગામમાં આવેલ છે. આતાભાઈના મૃત્યુ બાદ પુત્ર રમેશભાઈ વારસાઈ કરાવવાના કામે જમીનની ૭ ગુણિયા૧રની નકલ કઢાવી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે, આ જમીન પર રૂપિયા દસ લાખનો લોનનો બોજો છે. જો કુટુંબીજનોએ કોઈપણ પ્રકારની લોન લીધી ન હોતી. જેથી તપાસ કરતાં આતાભાઈના ખાતામાંથી તારીખ ર૬ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ લોનની રકમ રૂપિયા પ લાખ ૭૭ હજાર ૯૦૦ જમા થઈ હતી
અને આ રકમમાંથી આજ દિવસના રોજપ લાખ ૭૦ હજાર રૂપિયા ર૬ ફુબ્રુઆરીના રોજ મહેમદાવાદના મગનપુરા ગામે રહેતા રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણે પોતાના ખાતામાં જમા કરાવ્યાની વિગતો મળી હતી. મૃતક આતાભાઈ પરમારે જે તે સમયે રાજેશભાઈ ચૌહાણને જમીનમાં લોનની કામગીરી સોંપી હતી.
જે તે સમયે આ રાજેશે આતાભાઈ પાસેથી કુલ પ કોરા સહીવાળા ચેક લીધા હતા. તેમાંથી એક ચેકમાં આ રકમ લખી વટાવી દીધો હોવાની વિગતો રમેશભાઈના ધ્યાને આવી હતી. રાજેશ પાસે તપાસ કરતાં આ વિગતો પણ સાચી ઠરી હતી. આ મામલે મૃતકના પુત્રએ સહી કરેલા કોરા ચેક મારફતે રકમ ઉપાડી લઈ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાવી છે.