ખેડૂતની આવક બમણી કરવા અને આર્થિક રીતે સધ્ધર બનાવવા સરકાર પ્રયત્નશીલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયા કાર્યક્રમ, વિભિન્ન યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું કરાયું વિતરણ
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય રાજ્યકક્ષાના આયુષ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા તેમજ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ચૂડા તાલુકાના મોજીદડ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, અન્ય બે રથોને પણ લખતર તાલુકાના લખતર અને લીંબડી તાલુકાના પાણશીણા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.
આ અવસરે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા વિશે વાત કરતા કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્ય તરીકે ગુજરાતે ખેતી, આરોગ્ય, આવાસ, વીજળી, સિંચાઈ એમ દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે.
ચૂડા તાલુકાના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રે ગુજરાતે કરેલી પ્રગતિ વિશે વાત કરતા ડો.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું કે ખેડૂતની આવક બમણી કરવા અને ખેતીને આર્થિક રીતે વધુ વળતરદાયી બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિતની યોજનાઓથી છેલ્લા બે દાયકામાં ગ્રામીણ વિસ્તારોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
કોરોના મહામારી દરમિયાન રસી વિકસાવવા સરકારના પ્રયાસો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ૧૩૬ કરોડ દેશવાસીઓને કોરોના પ્રતિરોધક રસી વિનામૂલ્યે આપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે સરકારની અસરકારક કામગીરી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સારવાર માટે થતા મોટા ખર્ચને ધ્યાને લઈને સરકારે વ્યક્તિ દીઠ પાંચ લાખની સારવારનું આરોગ્ય કવચ આપતી અને કરોડો લાભાર્થીઓને આવરી લેતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કહી શકાય તેવી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે.
ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સની સ્થાપનારૂપી ભેટ, મેડિકલ સીટો ૬૨૦થી વધારીને ૮,૨૦૦ કરવી, જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સહિતના તબીબી સારવારના આંતરમાળખાકીય સુધારા વિશે વાત કરતા તેમણે સુરેન્દ્રનગર ખાતે પણ ટૂંક સમયમાં આયુર્વેદિક કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે દરેક પરિવારને ઘરનું ઘર મળી રહે તે સ્વપ્ન પુરૂં કરવા માટે વર્ષ ૨૦૧૬માં શરૂ કરાયેલ પીએમ આવાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગરમાં ૮૬૩૫ આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ૬૯ હજાર કિલોમીટર લાંબુ કેનાલનું માળખું બનાવી ઘરે- ઘરે નર્મદાનાં પાણી પહોંચાડવામાં આવી રહ્યાં છે. આઝાદી પછી પહેલીવાર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા દરવાજા લગાવવાની મંજૂરી પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી.
કાર્યકમ પૂર્વે ગામમાં પી.એમ.જે.એ.વાય – મા યોજના તેમજ અન્ય યોજનાઓના લાભાર્થીઓની નોંધણી અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વીસ વર્ષની વિકાસ ગાથા અંગેના ગીતો અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિકાસની ટૂંકી ફિલ્મો પણ રજૂ કરવામાં આવી હતી. વિકાસ યાત્રાના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ પદાધિકારીઓ-અધિકારીઓ,લાભાર્થી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.